જૂનાગઢના મેળાનો ખર્ચ ભોગવશે રાજ્ય સરકાર, મિનિ કુંભનું બિરુદ

જૂનાગઢ તા.14
આજનો દિવસ ભકિત, ભજન અને ભોજન સાથે કૈલાશ બની ગયેલા ભવનાથમાં મહાશિવરાત્રી મેળો હર હર મહાદેવ, બમ બમ ભોલેના ગગનભેદી પડકારો, નાગા બાવાઓના ધખાવેલા ધુણા અને ચલમોની શેર, બાળકો-યુવાનોની ચકડોળ અને મનરંજક સાધનોમાં મોજ-મસ્તી, શ્રધ્ધાળુઓના સંતોના દર્શન, ભજનીક લોકોના ભજન અને સંતવાણી તથા કવાયત લોકોની ચીક્કાર જમાવટ ગઇકાલે ચરમસીમાએ હતી ત્યારે સાંજના મુખ્યમંત્રીની ઉપસ્થિતિ ભવનાથદાદાના દર્શન, ભવનાથ મેળાને આવતા વર્ષથી મીની કુંભમેળાની સરકાર દ્વારા જાહેરાત બાદ નાગા સાધુઓ સહિત મહામંડલેશ્ર્વર, શ્રી મહંતો, સાધુ, સંતો, મહંતો અને સેવકોથી સજ્જ રવેડી અને બાદમાં સાધુઓના શાહી સ્નાન બાદ જૂનાગઢનો ભવનાથનો મહાઆરતી મહામેળો સંપન્ન થયો હતો.
ગત તા.8/ર/ર018 થી પ્રારંભ થયેલ જૂનાગઢ નજીકના ભવનાથના શિવરાત્રી મેળાને આ વર્ષે લોકોએ મન ભરીને માણ્યો હતો. છેલ્લા દિવસ એટલે કે ગઇકાલે લગભગ 6 લાખ લોકો સહિત પ દિવસમાં 10 લાખથી વધુ લોકોએ આ મેળો માણી રેકોર્ડ સર્જયો હતો અને આ મેળાની રવેડીમાં રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પણ આટલા વર્ષના ઇતિહાસના રવેડીના દર્શન કરનારા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ગઇકાલે વહેલી સવારથી જ લોકોનો મોટો પ્રવાહ ભવનાથ તરફ અવીરત વહ્યો હતો અને બપોર સુધીમાં તો હૈયેહૈયુ દબાય તેવી ચીક્કાર ભીડ મેળામાં જોવા મળવા લાગી હતી. દેશવિદેશમાંથી આવેલા શ્રધ્ધાળુઓએ મેળાની સાથે અન્નક્ષેત્રોના પ્રસાદ ભાવથી આરોગ્ય હતા અને ઉતારાઓમાં ચાલતા ભજનનો લ્હાવો લીધો હતો.
બપોરના 3 વાગ્યથી તંત્ર દ્વારા રવેડીના રૂટ અને મુખ્યમંત્રીના રૂટ ઉપરથી લોકોને ખસેડી બેરેક બાંધી દીધા બાદ રોડને ધોવામાં આવ્યા હતા અને લોકો રવેડી જોવા બપોરના 3 વાગ્યાથી રૂટની બન્ને સાઇડમાં બેસી ગયા હતા. સાંજના 6.48 મીનીટે મુખ્યમંત્રી રૂપાણીએ ભવનાથ મંદિરે આવી પહોચી મહાદેવના દર્શન કર્યા હતા. મીની કુંભ મેળો પત્રકારો સમક્ષ જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે હવે મેળાનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત ગીરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની અને તેમાં ભવનાથ ક્ષેત્રના સંતોને સમાવવાની સાથે ગીરનાર ઉપર પાણી, શૌચાલય અન્ય સુવિધા સાથે પગથીયાના રીનોવેશન અને નવા બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. બાદમાં અન્ય કાર્યક્રમો આટોપી મુખ્યમંત્રી રાત્રીના 9.ર0 મિનિટે રવેડી જોવા પધાર્યા હતા.
રાત્રીના નિર્ધારીત સમયે 9 વાગ્યે રવેડીનો પ્રારંભ થયો હતો જેમાં હજારો નાગા સાધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને તલવારબાજી, લાઠીદાવ તથા અંગ કસરત સહિત અચંબિત કરતી શારીરિક કસરતો કરી શ્રધ્ધાઓને ભાવવિભોર કરી દીધા હતા. આ રવેડીમાં અગ્ની અખાડા, જુના અખાડા તથા આહવાન અખાડાની પાલખી તથા તેમના સાધુ-સંતો મહંતો જોડાતા રવેડી લાખો સાધુ, સંતો, મહંતો અને નાગા સાધુઓથી જાજરમાન બની
ગઇ હતી.
દર વર્ષ કરતા આ વર્ષે જે વર્ષો પહેલાનો જુનો રૂટ હતો તે રૂટ પ્રમાણે 4 કિ.મી. લાલી ચાલી હતી અને રવેડી જ્યારે ભવનાથ મંદિર ખાતે શાહી સ્નાન માટે પહોચી ત્યારે રાત્રીના 1ર વાગ્યા હતા. ત્રણ કલાક ચાલેલી આ રવેડી બાદ હજારો સાધુ-સંતોએ મુર્ગીકુંડમાં શાહી સ્નાન કરી, ભવનાથદાદાના દર્શન કર્યા હતા અને બાદમાં જૂનાગઢના ભવનાથ મંદિરના સાનિધ્યમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળો સંપન્ન થયેલ જાહેર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ગાડીમાંથી નીચે ઉતરી ઇજાગ્રસ્તની મદદ કરી
મુખ્યમંત્રી કેશોદથી કાર માર્ગે પોતાના કાફલા સાથે આવી રહ્યા હતા ત્યારે ટીંબાવાડી નજીક બાઇક સ્લીપ થતાં નારણભાઇ ગોહીલ નામના 6પ વર્ષીય વૃધ્ધ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયેલા હતા અને 108 પાછળ હતી અને આગળ કરીને મુખ્યમંત્રી ગાડીમાંથી ઉતરી રસ્તા પર ઉભા રહી ગયા હતા અને ઇજાગ્રસ્ત વૃધ્ધને લઇ 108 રવાના થઇ ત્યારે મુખ્યમંત્રી કારમાં બેઠા હતા અને કાફલો આગળ વધ્યો હતો. સંત આવતા મુખ્યમંત્રીએ બેઠક વ્યવસ્થા ખાલી કરી
આવું જ કાંઇક વિશ્ર્વંભર ભારતી આશ્રમ ખાતે સભા દરમ્યાન બન્યું હતું. મુખ્યમંત્રીને એક સીટ સોફો આપવામાં આવેલ હતો અને એ દરમ્યાન એક વરીષ્ઠ સંત આવતા મોરારીબાપુ તેમને સ્થાન આપવા ઉભા થતા હતા ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોરારીબાપુને તેમના સ્થાને બેસવા દઇ પોતાની સીટ સંતને આગ્રહપૂર્વક સોંપી બાજુના સોફામાં પોતાના ધર્મપત્ની પાસે બેસી ગયા હતા.