ઈશ્ર્વરીયા પાર્કમાં પાંચ લાખનું વીજબીલ માફ કરતું તંત્ર

રાજકોટ, તા. 6
ઈશ્ર્વરીયા પાર્ક ‘વાઈલ્ડ ફલાવર વેલી’નું વીજ બિલ કોમર્શિયલ ટેરિફ મુજબ આકારીને છેલ્લા સાતે’ક વર્ષની તફાવતની રકમ રૂા.7.56 લાખનુ બિલ મોકલાયા બાદ કલેકટર તંત્રની દલીલ ધ્યાને લઈ વીજ તંત્રએ રૂા.5 લાખ તો જતા કર્યા છે પરંતુ હજુ 2.56 લાખનુ લેણું ઉભુ રાખતા તંત્રએ એ રકમ પણ આપવાની નથી થતી તેવું ફરી લેખીત આપ્યુ છે, અને આ મામલે કલેકટર તંત્ર તથા વીજ તંત્ર વચ્ચેની ચડભડ ચાલુ જ રહેવા પામી છે.
આ પબ્લીક પાર્કનો નિભાવ કરી રહેલા કલેકટર તંત્રએ ઝાડ-છોડને પાણી આપવા સહિતની રોજીંદી પ્રક્રિયા માટે 8 વીજ મોટર રાખી છે તથા 6 વીજ જોડાણ લીધેલા છે. થોડા સમય પહેલાં પીજીવીસીએલ તંત્રએ રૂા.7.56 લાખ બિલ મોકલીને એમ જણાવ્યું કે આ પાર્ક કોમર્શિયલ હોવાનું તેમના ઓડીટમાં કહેવાયું હોઈ કોમર્શિયલ રેઈટ પ્રમાણે આટલી તફાવતની રકમ ચૂકવવી પડશે. પ્રાંત અધિકારી એ.ટી.પટેલે રજૂઆત કરી કે આ પાર્ક જાહેર જનતા માટે હોવાથી કોમર્શિયલ રેઈટ ન ચાલે. વીજ તંત્રએ તે રજૂઆતને પગલે રૂા.7.56 લાખમાંથી 5 લાખ જતા કર્યા છે પણ 2.56 લાખનું બિલ તો ઉભું જ રહ્યું છે.
આ વિશે પ્રાંત અધિકારીએ ફરી લેખીત દલીલ કરી છે કે આ પાર્ક સંપૂર્ણ પણે સરકારી ધોરણે જ ચાલે છે, તેમાં નફો રળવાનો કોઈ ઈરાદો જ નથી હોતો. આમ, કલેકટર તંત્રએ 2.56 લાખનું બિલ ભરવા પણ નનૈયો ભણી દીધો છે, અને વધારાનું આ સંપૂર્ણ બિલ વેવ કરવા રજૂઆત કરી છે.