280 કિલો ચાંદીની કાલે આયકર ભવનમાં હરરાજી

ચાંદીનો ટચ રિપોર્ટ ફાઈનલ, ગુજરાતભરમાંથી ખરીદારોએ બતાવ્યો રસ; કાલે મોટી સંખ્યામાં ખરીદારો ઉમટી પડશે રાજકોટ, તા. 5
રાજકોટમાં રેસકોર્સ રિંગરોડ પર આવેલા આયકર ભવનમાં આવતી કાલ, તા.6 ફેબ્રુ.એ અધધધ...280 કિલોથી વધુ ચાંદી-દાગીનાની રીતસર હરાજી કરવામાં આવશે. એક કરદાતાના ચડત ઈન્કમ ટેકસ અને વ્યાજની વસૂલાત કરવા આ હરાજી હાથ ધરવામાં આવનાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભીમા લુણગરીયા શેરી, પાંજરાપોળ પાસે રહેતા સ્વ.ધિરજલાલ ચંદુભાઈ ભીમાણી પાસેથી 1998-99 ના વર્ષનો રૂા.15.28 લાખ ઈન્કમટેકસ વસૂલવાનો થતો હોવાથી અનેક નોટિસો અપાઈ હતી પરંતુ વસૂલાત થઈ નહોતી. વ્યાજની રકમ પણ 35.15 લાખ જેવી થઈ ગઈ હતી. એવામાં પાર્ટીની ચાંદી અને ઘરેણા દિલ્હીમાં જપ્ત થયા હતા, જે પછીથી રાજકોટ લઈ આવી તિજોરીમાં રાખી દેવાયા હતાં.
ટેકસ-વ્યાજની કુલ અંદાજે બાવન લાખ જેવી રકમ વસૂલવા 280.650 કિલો ચાંદી-ઘરેણાની 6 ફેબ્રુઆરીએ હરાજી જાહેર કરવામાં આવી હતી. જપ્ત ચાંદીનો ટચ રીપોર્ટ ફાયનલ થઈ ગયો છે. છેલ્લા થોડા દિવસોમાં વેલ્યુએશન વખતે રાજકોટ ઉપરાંત ગોંડલ, જુનાગઢ, જામનગર, અમદાવાદથી પણ અનેક વ્યકિતએ ચાંદી માટે રસ દાખવ્યો હતો. કાલે સવારે 11 વાગ્યાથી આયકર ભવનના પાંચમા માળે હરાજી પ્રક્રિયા શરૂ કરાશે, જેમાં અનેક ખરીદારો ઉમટી પડે તેવી શકયતા આયકર તંત્રને જણાઈ રહી છે. 52 લાખ ઉપજી જાય પછી હરાજી અટકાવીને બાકીની ચાંદી આસામીને પરત કરાશે તેમ જાણવા મળે છે. પાનકાર્ડ અને ભારતનું નાગરીકત્વ હોવું જરૂરી   ચાંદીની હરરાજીમાં જે વ્યકિત ખરીદી કરવા માંગતી હોય તે ભારતીય નાગરીકત્વ ધરાવતી હોય એ જરૂરી છે, ઉપરાંત જેમની પાસે પાનકાર્ડ હશે તેમને જ ભાગ લેવા દેવામાં આવશે. એ સિવાય, અગાઉથી રજીસ્ટ્રેશન કે બીજી કોઈ ઔપચારિકતા જરૂર ન હોવાથી અનેક લોકો ઉમટી પડે તેવી ધારણા છે.