ગેરકાયદે હોર્ડિંગકાંડમાં કોર્પોરેશનતંત્રએ નાકલીટી તાણી

18 દિવસ પછી પણ તમામ જોખમી બોર્ડ અને હોર્ડિંગ યથાવત્
કોર્પોરેશનની તિજોરીને 10 કરોડનો ચૂનો લાગ્યો છતાં અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી!
રાજકોટ તા.5
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના ભ્રષ્ટાતંત્રની મીલીભગતથી ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ વિવો અને ઓપ્પોએ 300 જેટલા સ્થળે ગેરકાયદે હોર્ડિંગ પકડી કોર્પોરેશનને અંદાજે રૂા.દસ કરોડનો ધુંબો માર્યા બાદ કૌભાંડ બહાર આવતા સફાળા જાગેલા કોર્પોરેશન તંત્રએ બન્ને મોબાઈલ કંપનીઓ ઉપરાંત જે મિલકતો ઉપર આવા ગેરકાયદે હોર્ડિંગ કે બોર્ડ લાગેલા છે તે મિલકત ધારકોને 3 દિવસમાં બોર્ડ ઉતારી લેવા નોટિસો આપી છે.
પરંતુ કોર્પોરેશન તંત્રએ આપેલ આ નોટીસોને મિલકત ધારકો તથા મોબાઈલ કંપનીઓ ઘોળીને પી ગઇ હોય તેમ આજે 16 દિવસબાદ પણ તમામ હોર્ડિંગ અને બોર્ડ યથાવત છે અને કોર્પોરેશનનું તંત્ર પણ નોટીસોનું નાટક ભજવીને પાણીમાં બેસી ગયુ હોય તેમ આજ સુધી હોર્ડિંગ કે બોર્ડ દુર કર્યા નથી અને જોખમી બોર્ડ લટકતા છોડી દઇ શહેરીજનોના જીવ સાથે રીતસર ખેલ શરુ કરી દીધા છે.
શહેરમાં 300 સ્થળોએ લાગેલા ગેરકાયદે હોર્ડિંગનું ભૂત ધૂણતા અને કોર્પોરેશનના ટીપી વિભાગ તથા જગ્યા રોકાણ વિભાગ વચ્ચે અભિપ્રાયના નામે એકવર્ષ સુધી ચાલેલા નાટકનો ભાંડો ફૂટતા ગત તા.17 અને 18 જાન્યુઆરી દરમ્યાન કોર્પોરેશનના આસી. મેનેજરે ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ ઓપ્પો તથા વિવોને તેમજ ગેરકાયદે હોર્ડિંગો વાળી મિલ્કતોના માલીકોને આવા ગેરકાયદે હોર્ડિંગો તથા બોર્ડ ત્રણ દિવસમાં દુર કરવાની નોટીસો આપી હતી. તેમજ જો 3 દિવસમાં આ ગેરકાયદે બોર્ડ તથા હોર્ડિંગ દૂર નહી થાય તો કોર્પોરેશન દ્વારા તોડી પડાશે તેવી ચીમકી આપી હતી.
પરંતુ પ્રારંભે શૂરાની માફક આશરે 300 જેટલા ગેરકાયદે હોર્ડિંગ અને બોર્ડ ત્રણ દિવસમાં દૂર કરવાની નોટીસો આપી કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હોય તેમ આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એકપણ હોર્ડિંગ કે બોર્ડ દુર કરવામાં આવેલ નથી કે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી નથી. પરિણામે વધુ એક વખત શંકા-કુશંકાઓનું વાતાવરણ સર્જાયુ છે.
કોર્પોરેશનના બાબુઓ નોટીસ આપ્યા બાદ આવા ગેરકાયદે હોર્ડિંગ હટાવવા કેમ કાર્યવાહી કરતા નથી? તેવો પ્રશ્ર્ન ચોમેરથી ઉઠી રહ્યો છે. બે વર્ષ સુધી આશરે 70 હજાર ચોરસમીટરના 300 બોર્ડ તથા હોર્ડિંગ ગેરકાયદેરીતે લટકવા દઇ કોર્પોરેશનની તિજોરીને રૂા.10 કરોડનું નુકશાન ગયુ હોવા છતા હજુ આ મોબાઈલ કંપનીઓને કેમ સમય અપાઈ રહ્યો છે? શું કોર્પોરેશનમાં બાબુઓને રાજકીય દબાણ છે? કે પછી વધુ એક વખત કુલડીમાં ગોળ ભાંગી લેવાયો? તેવા અણિયારા સવાલો ઊઠી રહ્યા છે. વિરોધપક્ષનું પણ ભેદી મૌન
ગેરકાયદે હોર્ડિંગકાંડ અંગે છ માસ પૂર્વે કોંગ્રેસના કાર્યાલય મંત્રીએ કમિશનરને પત્રલખી ધ્યાન દોર્યુ હતું અને કૌભાંડ બહાર આવતા અધિકારીઓના પગારમાંથી રકમ કાપવાની માગ થઇ હતી પરંતુ ત્યારબાદ કોર્પોરેશનના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો ભેદી મૌન ધારણ કરીને બેેસી ગયા છે. પરિણામે શું કોંગ્રેસ પણ ભ્રષ્ટાચારની ભાગબટાઈમાં ભાગીદાર છે ? તેવો પ્રશ્ર્ન ચર્ચાઇ રહ્યો છે.
નોટિસો માત્ર નાટક?
કોર્પોરેશન તંત્રએ શહેરમાં બે ચાઈનીઝ મોબાઈલ કંપનીઓના 300 જેટલા ગેરકાયદે હોર્ડિંગ તથા બોર્ડ 3 દિવસમાં ઉતારી લેવા ગત તા.17 તથા 18 જાન્યુઆરીના રોજ નોટીસો આપી હતી. પરંતુ આજે તા.5 ફેબ્રુઆરી સુધી એકપણ બોર્ડ કે હોર્ડિંગ ઉતારવામાં આવેલ નથી ત્યારે તંત્ર દ્વારા આ નોટિસોનું નાટક શા માટે ભજવાય છે? નક્કર પગલાં કેમ ભરાતા નથી? તેવા સવાલ ઉઠે છે.
તટસ્થ તપાસ કેમ થતી નથી?
સતત બે વર્ષથી કોર્પોરેશનના અધિકારીઓના નાક નીચે 300 જેટલા ગેરકાયદે હોર્ડિંગ અને બોર્ડ લટકી રહ્યા છે અને કોર્પોરેશનને દર વર્ષે અંદાજે રૂા. પાંચ કરોડનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. આમ છતા આ હોર્ડિંગકાંડની તટસ્થ તપાસ કેમ થતી નથી? શું અધિકારીઓ સાથે પદાધિકારીઓ પણ કાળી કમાણીના ભાગીદાર છે? તેવો પ્રશ્ર્ન ઊઠી રહ્યો છે.