દર 15 દિવસે રિપોર્ટ આપો, ચીફ ઓડિટરને મ્યુ.કમિશનરનો આદેશ

ઓડિટ વિભાગ સાથે મિટિંગ યોજી કમિશનરે ખખડાવી નાખ્યા
દર મહિને રિવ્યૂ મિટિંગ; જરૂર પડ્યે કોન્ટ્રાક્ટરોને પણ બોલાવાશે
રાજકોટ તા.10
રાજકોટ મહાનગરપાલીકાના ઓડિટ વિભાગમાં મોટી ઊથલપાથલ થાય છે કરોડો રૂપિયાના બીલ મંજુર કરતા આ વિભાગમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી બીલ પાસ કરાવવાનું ટકાવારીનું ભાવ બાંધણું હોવાનું અને પૈસા ન આપનાર કોન્ટ્રાકટરો કે અન્ય લોકોના બીલ અટકાવાતા હોવાનો અહેવાલ ગુજરાત મિરરના તા.3/1/18 ના દૈનિકમાં પ્રગટ થયા બાદ કોર્પોરેશનમાં ભૂકંપ આવી ગયો હતો. મ્યુનિ. કોર્પોરેશને તાત્કાલીક ઓડિટ વિભાગના અધીકારીઓ સાથે મિટિંગ યોજી મંજુરી માટે આવતા બીલનો દર 15 દિવસે રીપોર્ટ કરવાનો આદેશ કરતા ઓડિટ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને મલાઈમાંથી ભાગ બટાઈ કરતા અમુક નેતાઓ અને કર્મચારીઓમાં સોપો પડી ગયો છે અને હાલ તુરત ઓડિટ વિભાગની કામગીરી તેજ બની છે જેના કારણે અટકાયેલા બીલો ધડાધડ મંજુર થવા લાગ્યા છે.
મહાપાલીકાના ઓડિટ વિભાગમાં વર્ષોથી લોકોને પોતાના હકના પૈસા લેવા હોય જેમકે કોન્ટ્રાકટરોને કરેલ કામનું બીલ તેમજ ટીપી વિભાગના રીફંડ અને અન્ય રીફંડ મેળવવા માટે ત્રણ ત્રણ મહિના ધકકા ખાવા પડતા પોલીસ કમ્પલીટ હોય અને કોઇ જાતની ક્વેરી ન હોય તો સામાન્ય ભુલ જેવા નામથી બીલ અટકાવી અરજદારને માનસીક ત્રાસ આપી છેલ્લે ટકાવારી તરફ લઇને સેટીંગ કરી બીલ મંજુર કરાય છે તેવી ચર્ચાઓ જોરશોરથી શરુ થઇ હતી તો અમુક કોન્ટ્રાટકરોએ ટકવારીની પ્રથા વર્ષોથી ચાલે છે અને હાલમાં ટકાવારીમાં વધારો થતા હોબાળો મચી જવા પામ્યો છે.
અમુક કોન્ટ્રાકટરોએ જણાવેલ કે ઓડિટ વિભાગના અમુક ભ્રષ્ટા અધિકારીઓ રાજકીય ઓથ ધરાવતા હોવાથી અમારી ફરીયાદ કોઇ સાંભળવા તૈયાર નથી ત્યારે આ લોકો સરેઆમ અને ખુલંખુલ્લા પૈસાની માંગણી કરવા લાગ્યા છે આ પ્રકારની ફરીયાદોના પગલે ગુજરાત મિરર દ્વારા તા.3/1/18ના દૈનિકમાં ઓડિટ વિભાગમાં કરોડોની ઉથલપાથલના નામથી હેરાન થતા અરજદારોની આપવિતી વર્ણવતા સમાચાર પ્રગટ થતા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને અમુક રાજકીય લોકોને ધ્રાસ્કો પડ્યો હતો અને મ્યુનિ. કમીશનર બંછાનીધી પાનીએ આ પ્રકારમાં અંગત રસ લઇ તાત્કાલીક ઓડિટ વિભાગની બેઠક બોલાવી વિભાગીય કામગીરીના દર 15 દિવસે રીપોર્ટ કમીશનર વિભાગને સોંપવાનો ચિફ ઓડિટરને આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાત મિરરના અહેવાલના પગલે મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ તા.3ના રોજ ઓડિટ વિભાગના તમામ સ્ટાફ સાથે મીટીંગ યોજી ઓડીગ વિભાગની તમામ કામગીરીનો દર 1પ દિવસે રિપોર્ટ કરવાનો આદેશ ચીફ ઓડિટરને કરતા વિભગના ભ્રષ્ટ કર્મચારીઓને ઝાટકો લાગ્યો હતો તો બીજી તરફ ઓડિટ વિભાગ સાથે સંકળાયેલા રાજકીય માથાઓએ પણ હાલ પૂરતુ ઓડિટ વિભાગ સાથેનું કનેકશન સ્ટોપ કરાવી દીધુ છે તેમજ ઓડિટ વિભાગના ખાસ અધિકારીઓને ચૂપ રહેવાની સૂચના આપી દીધી હોવાનું જાણકારો કહી રહ્યા છે. અગાઉ ભોગ બન્યા હોય તેઓ ફરિયાદ કરે
મહાપાલીકાના ઓડીટ વિભાગના ભ્રષ્ટાચારનો ઘડો અંતે છલકાયો છે ગુજરાત મિરરના અહેવાલના પગલે મ્યુનિ. કમીશનરે ઓડીટ વિભાગ પર લગામ કસવાની સાથે અગાઉ ટકાવારીનો ભોગ બન્યાહોય તેવા અરજદારોને ફરીયાદ કરવાની અપીલ કરી છે અને ઓડીટ વિભાગ દ્વારા વાંધા વચકા કાઢી બીલ અટકાવ્યા હોય તેવા કોન્ટ્રાકટરોને પણ ફરીયાદ કરવા જણાવવામાં આવ્યું છે.
શંકાસ્પદ ફાઈલો ઠેકાણે પાડવા દોડધામ
ઓડિટ વિભાગના ભોપાળાઓ બહાર આવતા મ્યુનિ. કમિશનરે તાત્કાલિક મીટીંગ બોલાવી ઓડીટ વિભાગને હવે બહુ થયુ તેવી ચેતવણી આપી દર 15 દિવસે ફાઈલો રજુ કરવાનો આદેશ કરતા કાળા ધોળા કરતા અમુક અધીકારીઓ અને કર્મચારીઓએ ઝપટે ચઢી જવાની બીકે કુંડાળાવાળી ફાઈલો ક્લીયર કરવા માંડયા છે. તો બીજી તરફ શંકાસ્પદ અને વહીવટ થઇ ગયો હોય તેવી ફાઇલો આઘીપાછી કરવા લાગ્યા છે.