મેરેથોન રજીસ્ટ્રેશનની મુદત 14 સુધી લંબાવાઈ

ઓફ લાઈન સાંજે 6 સુધી અને ઓનલાઈન રાત્રીના 12 સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે
રજિસ્ટ્રેશન માટે કાલે તમામ સિટી સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ખૂલ્લી રહેશે
રાજકોટ, તા. 10
રાજકોટ મહાનગરપાલીકા અને શહેર પોલીસ સંયુકત ઉપક્રમે આગામી તા.18-2 ના રોજ ફુલમેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે ગત વર્ષે યોજાયેલ મેરેથોનમાં રેકર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયુ હતુ ત્યારે આ વર્ષે મેરેથોન રજીસ્ટ્રેશનનો આંકડો નીચો રહેતા તંત્રએ ચિંતા સાથે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવી છે.
ફૂલ મેરેથોનના રજીસ્ટ્રેશનની આજે છેલ્લી તારીખ હતી ત્યારે આજ સુધીમાં 50,063 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે અને આજે છેલ્લા દિવસે ધાર્યા મુજબ રજીસ્ટ્રેશન થવાની શકયતા નહીવત જણાતા આજરોજ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુ.કમિશ્ર્નર બંછાનીધી પાનીએ સ્પર્ધકોને રજીસ્ટ્રેશન માટે વધુ સમય આપવાની જાહેરાત કરી છે.
ફુલ પેરેથોનમાં શહેરની શાળાઓ અને કોલેજો દ્વારા રજીસ્ટ્રેશન કરાવામાં આવ્યુ છે વિદેશી સ્પર્ધકો અને અન્ય રાજયોના સ્પર્ધકોએ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવતા આજ સુધીમાં 32000 થી વધુ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થઈ ચુકયુ છે. પરંતુ અમુક શાળાઓમાં પરિક્ષા લક્ષી કામગીરી ચાલુ હોઈ તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેનમાં સ્પર્ધકો પરેશાન થતા હોવાની ફરિયાદના પગલે અનેક સ્પર્ધકો રજીસ્ટ્રેશન કરાવી શકયા નથી જયારે શહેરના અને અન્ય શહેરની સંસ્થાઓએ પણ મેરેથોનમાં ભાગ લેવાની ઈચ્છા વ્યકત કરી છે ત્યારે આજે રજીસ્ટ્રેશનના છેલ્લા દિવસે પુરેપુરૂ રજીસ્ટ્રેશન ન થઈ શકે માટે રજીસ્ટ્રેશનની મુદતમાં ચાર દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે આજે જાહેરાત કરી જણાવેલ કે ફુલ મેરેથોન રજીસ્ટ્રેશનની મુદત ચાર દિવસ વધારવામાં આવી છે. તે મુજબ આગામી તા.14-2 ના રાત્રીના 12 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે ઓફ લાઈન રજીસ્ટ્રેશનનો સમય સાંજના 6 સુધી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન રાત્રીના 12 વાગ્યા સુધી થઈ શકશે જેથી બાકી રહી ગયેલા સ્પર્ધકોએ સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવાની અપીલ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુ.કમિશ્ર્નર બંછાનીધી પાની દ્વારા કરવામાં આવી છે.