પ્યોંગચાંગમાં વિન્ટર ઓલિમ્પિકનો પ્રારંભ

પ્યોંગચાંગ તા.10
સાઉથ કોરિયાના પ્યોંગચાંગમાં વિન્ટર ઓલિમ્પિકનો રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો. 25 ફેબ્રુઆરી સુધી યોજાનાર વિન્ટર ઓલિમ્પિકમાં 91 દેશ ભાગ લઈ રહ્યા છે જ્યારે રશિયન એથ્લીટ ઓલિમ્પિકના ધ્વજ હેઠળ સામેલ કરાયા છે.
15 સ્પોર્ટ્સની 102 ઇવેન્ટને સામેલ કરાઈ છે જેમાં સ્કીઇંગ, સ્કેટિંગ, સ્કી જમ્પિંગ, આઇસ હોકી જેવી મુખ્ય રમતો સામેલ છે. ફિગર સ્કેટિંગમાં 2010 ઓલ્મ્પિક ચેમ્પિયન યુના કિમે કોરિયન હોકી ટીમ પાસેથી ઓલિમ્પિક ટોર્ચ મેળવી તેને પ્રજવલ્લિત કરી હતી. તેની સાથે જ વિન્ટર ઓલિમ્પિકનો પ્રારંભ થયો હતો.
ઓપનિંગ સેરેમની દરમિયાન જે દેશની ટીમ સ્ટેડિયમમાં પ્રવેશ કરતી હતી તે દેશનો ધ્વજ સ્ટેજના મધ્યમાં લાઇટ્સ દ્વારા જોવા મળતો હતો. આ ઉપરાંત સ્ટેડિયમની દરેક સિટની નીચે પણ લાઇટ્સ રખાઈ હતી જેથી જે દેશની પરેડ હોય તે દેશનો કલર જોવા મળતો હતો. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ હતી કે, એકબીજાના કટ્ટર દુશ્મન સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાએ એક ધ્વજ હેઠળ જોવા મળ્યા હતા. આઈસ હોકીમાં સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાની સંયુક્ત ટીમ ભાગ લઈ રહી છે.
200 ચિયર લિડર્સ નોર્થ કોરિયાની છે જે પ્યોંગચાંગ ખાતે પોતાના દેશના ખેલાડીઓને ચિયર કરવા માટે પહોંચી છે.30,000 લોકો ઓપનિંગ સેરેમની જોવા માટે ઓલિમ્પિક સ્ટેડિયમ ઊમટયાં હતા.169 રશિયન એથ્લીટ્સ ભાગ લઈ રહ્યા છે પરંતુ રશિયા
પર મોટાપાયે ડોપિંગનો આરોપ હોવાને કારણે તેના ખેલાડીઓને ઓલિમ્પિક ધ્વજ હેઠળ સામેલ કરાયા છે.