દમદાર હરીફ સામે ટકરાવા માટે તૈયાર નથી સાઉથ આફ્રિકાના યુવા ક્રિકેટરો: ગ્રેમ સ્મિથ

જોહાનિસબર્ગ: ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝમાં ટીમના ખરાબ પ્રદર્શન પર સાઉથ આફ્રીકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથે કહ્યૂં હતું કે વર્તમાન સીરીઝમાં ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. એનાથી એ વાત સિધ્ધ થઇ ગઇ છે કે સાઉથ આફ્રીકા ક્રિકેટના યુવા ખેલાડીઓ દમદાર હરીફ સામે ટકકર લેવાને હજી લાયક નથી. આ સમયે ભારત સાઉથ આફ્રીકામાં ચાલી રહેલી વન-ડે સીરીઝમાં 3-0થી અજયે લીડ મેળવી ચુક્યું છે. ભારત હવે વન-ડે સીરીઝ જીતવાની બહુ નજીક છે. આઈસ ક્રિકેટ ચેલેન્જ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચેલા સ્મિથે કહ્યૂં હતું કે સાઉથ આફ્રીકાની ટીમના ત્રણ મુખ્ય ખેલાડીઓ કેપ્ટન ફેક ડુ પ્લેસી, એ.બી. ડિવિલિયર્સ અને ક્વિન્ટન ડી કોક ઈજાગ્રસ્ત અને સિરીઝની બહાર છે ત્યાર બાદ સાઉથ આફ્રીકા સિરીઝમાં 0-3થી પાછળ છે. આનાથી એ વાત સાબીત થાય છે કે સાઉથ આફ્રીકાના યુવા ખેલાડીઓ હજી નેતૃત્વ સંભાળવા યોગ્ય નથી. હવે સાઉથ આફ્રીકા ક્રિકેટ બોર્ડે એ નક્કી કરવું પડશે કે તેઓ પોતાના યુવાન ખેલાડીઓને કયા પ્રકારે તૈયાર કરશે જેથી આ સ્તરે તેઓ સારુ પ્રદર્શન કરી શકે. હું તેમના પ્રદર્શનથી ઘણો નિરાશ છું. સાઉથ આફ્રીકા માટે 117 ટેસ્ટ રમી ચુકેલા સ્મિથે કહ્યું હતું કે એવુ લાગી રહ્યું છે કે આ સિરીઝમાં અમે બહુ ખરાબ રીતે હારીશું. વર્તમાન ટીમના ઘણા ખેલાડીઓ વર્લ્ડ કપ-2019 બાદ ટીમમાં નહી હોય અને આ સિરીઝથી ખબર પડે છે કે નવા પ્લેયરોએ હજી ઘણી મહેનત કરવી પડશે. સ્મિથે યાદવ અને ચહલની પ્રશંસા કરતા કહ્યૂં હતુંકે બન્નેએ મુરલીધરન અને શેન વોર્નની નિવૃત્તિ બાદ સ્પિનને ફરી એક વાર રસપ્રદ બનાવી છે. મુરલી અને વોર્ન હવે નથી રમતા અને ક્રિકેટ માટે ચહલ અને યાદવ નો પ્રવેશ સારો છે ઘણા દિવસથી આ રમતમાં કોઇ રહસ્યમય સ્પિનર નહોતો. આ બન્નેના પ્રદર્શને રમતને રોમાંચક બનાવી દીધી છે.