ચીનની શાન ઠેકાણે: માલદીવ મુદ્દે ભારત સાથે કોઇ તકરાર નથી કરવી!


બૈજિંગ તા,10
રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા માલદીવ મુદ્દે ચીને કહ્યું છે કે તે ભારત સાથે વધુ એક ટકરાવ નથી ઈચ્છતુ. માલદીવમાં રાજનૈતિક સંકટ ઉકેલવા માટે તે ભારતના સંપર્કમાં છે. ચીનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે અગાઉ જ કહી ચુક્યા છીએ કે માલદીવ તેના આંતરિક સંકટને ઉલેકવામાં સક્ષમ છે, તેને કોઈ બહારના હસ્તક્ષેપની જરૂર નથી. મુદ્દાના હલ માટે બેઈજીંગ દિલ્હીના સંપર્કમાં છે.
માલદીવના સંકટનો ઉકેલ લાવવા માટે ભારતની સ્પેશિયલ ફોર્સ તૈયાર હોવાના અહેવાલો બાદ ચીને કોઈ બહારના પક્ષે હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું હતું.
આ અગાઉ ભૂટાન, ચીન અને ભારતની સરહદ પર આવેલા ડોકલામ પઠારને લઈને બંને દેશોનું સૈન્ય આમને સામને આવી ગયું હતું. ત્યાર બાદ પાકિસ્તાનન ખુંખાર આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરાવવાના ભારતના પ્રયાસમાં ચીનના અક્કડ વલણને લઈને બંને દેશોના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયાં હતાં.
માલદીવ સંકટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીતને લઈને પુછવામાં આવતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોઈ બહારના પક્ષે આ મામલે હસ્તક્ષેપ કરવો ન જોઈએ. આંતરરાષ્ટ્રિય સમુદાયે માલદીવની સંપ્રભુતા અને સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ. માલદીવની વર્તમાન પરિસ્થિતિ તેની આંતરીક બાબત છે. તેને તમામ સંબંધીત પક્ષો વાતચીત મારફતે યોગ્ય રીતે ઉકેલી લેવી જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, તે માલદીવ મુદ્દે ભારત સાથે કોઈ પણ પ્રકારનો ટકરાવ ઈચ્છતુ નથી. ચીને આ બાબતે ભારતનો સંપર્ક પણ સધ્યો છે.