સુખ મેળવવુ હોય તો સુખ સુધી પહોંચાડે તેવા રસ્તે મુસાફરી કરવી પડશે

તેનો નિર્ણય તો કરો! સુખ મેળવવા જે રસ્તો તમે સ્વીકારેલ છે તેમાં જો વચલા બસસ્ટોપ તરીકે અશાંતિ, અસમાધિ, કષાય, અસ્વસ્થતા... આ બધું જ આવતું હોય તો તે સુખનો માર્ગ કેવી રીતે? તે માર્ગે શાંતિ, સમાધિ વગેરે વચલા બસસ્ટોપ તરીકે આવે તે માર્ગ સુખનો હોય કે જે માર્ગે અશાંતિ, અસમાધિ વગેરે વચલા બસ સ્ટોપ તરીકે આવે તે સુખનો માર્ગ હોય? ગુસ્સો કરીને તમે સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ, ગુસ્સો કરવા દ્વારા અશાંતિ અને સમાધિ- જ આવે તો તે ગુસ્સો સુખનો માર્ગ કેવી રીતે કહી શકાય?બીજાની સાથે છેતરપીંડી કરવી, કોઇકને અન્યાય કરવો, ક્રોધ કરવો- આ સુખના માર્ગ ઉપર આવનારા બસસ્ટોપ નથી. કારણ કે આ બધાં દ્વારા સરવાળે તો અશાંતિ અને અસમાધિ જ પ્રાપ્ત થાય છે. તે સંસારમાર્ગના, દુ:ખ-દુર્ગતિના માર્ગના વચલા બસસ્ટોપ છે.
જીંદગીના વહી ગયેલા વરસોનો હિસાબ તપાસી જાઓ. સુખ મેળવવા માટે જ દરેક પ્રવૃતિ કરી હોવા છતાં જીવનમાં સુખની મંઝિલ આવી કે નહિ? સુખની વાત તો દૂર છે. શાંતિ મળી? સમાધિ મળી? જો શાંતિ અને સમાધિ પણ પ્રાપ્ત નથી થઇ તો તે રસ્તે આગળ વધતા સુખ મળે તેવી શકયતા શી? અમદાવાદથી નીકળ્યા બાદ જો રસ્તામાં આબુ આવે તો તે રસ્તે આગળ વધતા મુંબઇ આવે તેવી કોઇ શકયતા નથી. તો પછી જે પણ રસ્તે આગળ વધતા અસમાધિ, સંકલેશ વગેરે જ આવે તે રસ્તે સુખ મળે તેવી કોઇ શકયતા નથી. દુ:ખના માર્ગમાં જ અશાંતિને અને અસમાધિને સ્થાન છે. માટે, સાવચેત થઇ જજો. આટ-આટલા વરસો પછી પણ જો અશાંતિ અને અસમાધિ જ પ્રાપ્ત થઇ હોય તો નિશ્ર્ચિત સમજી રાખજો કે તમે દુ:ખના માર્ગે છો. આ દુ:ખના માર્ગેથી તાત્કાલિક પાછા વળી જાઓ. ગુસ્સો એ સુખનો માર્ગ નથી, દુ:ખનો માર્ગ છે. તમે સુખ મેળવવા માટે ગુસ્સો કરો છો. પણ હકીકતે તેના દ્વારા સુખ નહીં, દુ:ખ જ મળવાનું છે. માટે, હજુ પણ જાગી જવું છે. એક વાર ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા... આ બધા ગુણોને અપનાવી તો જુઓ. શાંતિ અને સમાધિ મળીને જ રહેશે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ સુખને મેળવવા માટે ક્ષમા-નમ્રતાનો જ રસ્તો અપનાવ્યો છે. એટલે જ ઢગલાબંધ ઉપસર્ગોની ઝડી વચ્ચે પણ શાંતિ અને સમાધિ જ પરમાત્માને પ્રાપ્ત થાય છે. એ રસ્તે ચાલીને જ પરમાત્માએ શાશ્ર્વત સુખને સંપ્રાપ્ત કર્યુ. લક્ષ્ય તો સહુનું એક જ છે- સુખ! પણ, અનાદિ કાળના મિથ્યાત્વના પ્રભાવે સુખના રસ્તા તરીકે ગુસ્સાને, છેતરપિંડીને, અન્યાયને.... આવા દુષ્ટ તત્વને જ સ્વીકારેલ છે. એટલે જ મંઝિલ એક હોવા છતાં માર્ગ બદલાઈ જવાથી છેલ્લે તો દુ:ખ જ ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ અવળા માર્ગે ચડી જવાની ભુલ નથી કરવી- આટલો સંકલ્પ પણ ખરો કે નહીં? જો અંતરથી સ્વીકાર થાય કે ‘અશાંતિ અને અસમાધિ જ જયાં ડગલને પગલે મળે છે, તે આ ગુસ્સો વગેરે સુખનો માર્ગ હોઇ શકે નહી’, તો સાચા રસ્તે ચાલવાનો ઉત્સાહ પ્રગટે. જે રસ્તે ચાલો છો તે ‘ખોટો છે’- આવી બુદ્ધિ જ જો નહીં પ્રગટે તો તે રસ્તે મુસાફરી અટકાવી સાચા રસ્તે મુસાફરી કરવાનો ભાવ જ કયાં જાગવાનો?
સુખનો સાચો રસ્તો બતાવવા માટે જ આ રોડ પોલિસીનું સર્જન થયું છે. અનંતા તીર્થંકરોએ જે સુખ મેળવ્યું તે જ સુખ આપણને સૌને જોઇએ છે. તો પછી તે માટે અનંતા તીર્થંકરો જે રસ્તે ગયા તે રસ્તે જ જવું રહ્યું ને? જો આ રસ્તે પણ સુખ મળી શકતું હોત, ગુસ્સો કરી કરીને પણ અંતે સુખની પ્રાપ્તિ થતી હોત તો પરમાત્માએ શા માટે તે જ રસ્તો ન બતાવ્યો? સ્વયં જ અપનાવ્યો? જે રસ્તે પરમાત્માએ અને અનંતા જીવોએ શાશ્ર્વત સુખ મેળવ્યું તે જ રસ્તે સુખ મળવાનું છે. આજ કે કાલ સુખ મેળવવા માટે તે રસ્તો અપનાવ્યા વિના છુટકો જ નથી.
(ક્રમશ:) રસ્તાને કોઇ પક્ષપાત નથી. પણ, જો તમે મુંબઇના રસ્તાને વળગી રહ્યા, તે રસ્તા ઉપરથી ચલાયમાન ન થાય તો મુંબઇ આવીને જ રહેવાનું છે. અને આબુના રસ્તે ગયા, તો આબુ પણ આવીને જ રહેવાનું છે. પછી તે અટકાવી શકાતું નથી. તેમ જો અશાંતિ અને ઉકળાટના માર્ગે જ ગયા, ગુસ્સાને જ સુખનો રસ્તો માની તેનું જ સેવન કર્યું તો દુ:ખ આવ્યા વિના રહેવાનું નથી. તથા જો ક્ષમા, નમ્રતાના રસ્તે આગળ વધ્યા તો સુખ આવ્યા વિના રહેવાનું નથી. તીર્થંકર જેવા તીર્થંકરને પણ ક્ષમા દ્વારા જ અનંતસુખધામ સ્વરૂપ મોક્ષ મળેલ છે તો આપણા જેવાને ક્રોધ દ્વારા અનંતસુખધામ સ્વરૂપ મોક્ષ મળે તેવી કોઇ શકયતા ખરી? અમદાવાદથી આબુના રસ્તે જતાં મુંબઇ આવે જ કયાંથી?
ટૂંકમાં, આ પોલિસી એટલું જ કહે છે કે-
‘દુનિયાદારીમાં રસ્તો તમે તમારી મંજિલ પ્રમાણેનો જ પસંદ કરો છો. અમદાવાદથી મુંબઇ જવા માટે આબુનો રસ્તો પકડવાની ભુલ નથી જ કરતા તો સુખ મેળવવા માટે, જે રસ્તે ક્રોધ-અશાંતિ-અસમાધિ જ વચલા પડાવ તરીકે પથરાયેલા છે તે, દુ:ખમાર્ગને શા માટે પસંદ કરો છો? અશાંતિ અને અસમાધિ જયાં મળે તે રસ્તો તો દુ:ખનો જ છે. ત્યાં સુખ મળે તેવી અકયતા શી? તેથી સુખ જો જોઇતું હોય તો આજથી જ ક્ષમાની દિશામાં આગળ વધજો. કારણ કે સુખ મળશે તો આ ક્ષમાની દિશામાં આગળ વધવાથી જ મળશે.’
‘રોડ’ પોલિસીના આ સંદેશાને વહેલી તકે આત્મસાત કરી શાશ્ર્વત સુખધામમાં પહોંચીએ. સુખ મેળવવા જે રસ્તો તમે સ્વીકારેલ છે તેમાં જો વચલા બસસ્ટોપ તરીકે અશાંતિ, અસમાધિ, કષાય, અસ્વસ્થતા તેમજ બીજાની સાથે છેતરપીંડી કરવી, કોઇકને અન્યાય કરવો, ક્રોધ કરવો... આમાંના સુખના માર્ગ ઉપર આવનારા એકપણ બસ સ્ટોપ નથી... આ બધા તો સંંસારના દુ:ખ-દુર્ગતિના માર્ગના વચલા બસસ્ટોપની છે સુખના સ્ટેશન ઉપર જવું હોય તો ક્ષમાની દિશામાં આગળ વધજો.. રોડ પોલિસીનો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે