અયોધ્યા વિવાદ: કોર્ટ બહારનો ઉકેલ કોર્ટ બહારના સ્વીકારશે ખરા? । તંત્રી લેખ

સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ મંદિર વિશે સુનાવણી શરૂ થઈ એ સાથે જ આદ્યાત્મિક ગુરૂ તરીકે પંકાયેલા શ્રી શ્રી રવિશંકરને આ વિવાદનો કોર્ટ બહાર ઉકેલ લાવીને મોટા ભા બનવા માગે છે. આના માટે તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના છ સભ્યોને બેંગલોર નોંતર્યા ને તેમની સાથે ત્રણ કલાક લગી ફીફાં ખાંડ્યાં. આ સિવાય શિયા ને મુસ્લિમોના બીજા ફિરકાના મુસ્લિમોને પણ તેમણે નોંતરેલા. આ બધાએ ભેગા મળીને શું નક્કી કર્યું એ રામ જાણે પણ આ બેઠક પછી મૌલાના સૈયદ સલમાન હુસૈની નદવીએ એવો મમરો મૂક્યો છે કે ઈસ્લામમાં કોઈ પણ મસ્જિદને ઉઠાવીને બીજે ખસેડવાની તરફેણ કરાઈ છે. મૌલાના નદવીએ એમ પણ કહ્યું કે આ વિવાદમાં જે પણ ચુકાદો આવશે તે કોઈ એક પક્ષની તરફેણમાં આવશે તેથી બીજા પક્ષ નારાજ થશે ને સરવાળે હિંદુ-મુસ્લિમોમાં મનભેદ થશે. આ સ્થિતિ પેદા ના થાય એટલા માટે કોર્ટની બહાર આ વિવાદ ઉકેલાય તો સારું.
મૌલાના મદનીની વાત એ રીતે સાવ સાચી છે પણ સવાલ એ છે કે અદાલત બહાર સમાધાન કરવાથી પણ બંને પક્ષને રાજી રાખી શકાય એમ છે ખરા? આ સવાલનો જવાબ પણ ના જ છે. અગેઈન, તેનું કારણ એ જ છે કે હિંદુ હોય કે મુસ્લિમો, કોઈને જરાય ઓછું ખપતું નથી.
હિંદુવાદી સંગઠનોને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનું આખેઆખું સંકુલ લેવું છે ને તેમાંથી એક ઈંચ જમીન એ લોકો બીજાને આપવા તૈયાર નથી. બાકી અલાહાબાદ હાઈ કોર્ટે તો તેમને ગર્ભગૃહ આપી જ દીધેલું ને? એ લોકો જ્યાં રામમંદિર ઊભું હોવાનો દાવો કરે છે એ જમીન તો હાઈ કોર્ટે તેમને આપી જ છે ને? હવે જે લોકો ગર્ભગૃહની બહાર આવેલી ત્રીજા ભાગની જમીન મુસ્લિમોને આપવા તૈયાર નથી એ લોકો કોર્ટ બહાર સમાધાન માટે કઈ શરતે તૈયાર થાય એ કહેવાની જરૂર છે ખરી? મુસ્લિમો પોતાનો હક સાવ છોડી દે તો જ એ શક્ય બને ને એ શક્ય છે ખરૂં?
મુસ્લિમ સંગઠનોને બાબરી મસ્જિદ જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી કરવી છે તેથી તેમને પણ કશું ઓછું ખપતું નથી. મદનીએ ભલે એવો મમરો મૂક્યો કે ઈસ્લામમાં બીજે ઠેકાણે મસ્જિદ લઈ જવાની છૂટ છે પણ તેમની વાત સાથે બાબરી મસ્જિદ આંદોલન સાથે સંકળાયેલા મુસ્લિમોમાંથી કેટલા સહમત થાય એ સવાલ મોટો છે. રવિશંકરે જેમને નોંતરેલા એ લોકોએ પણ સાગમટે આ વાત કરી હોત તો ભરોસો બેસે કે મુસ્લિમો મસ્જિદ બીજે ખસેડવા તૈયાર થશે પણ બીજા બધા આ મામલે ચૂપ છે. આ સંજોગોમાં ઈસ્લામના સિદ્ધાંતો ગમે તે હોય પણ મુસ્લિમો તેને માટે તૈયાર થાય તેવી શક્યતા ઓછી ને અદાલતની બહાર સમાધાન શક્ય જ નથી. બીજું એ કે આ મામલે હિંદુ ને મુસ્લિમ બંને પક્ષકારો એકદમ અક્કડ વલણ અપનાવીને બેઠા છે એ એકમાત્ર તકલીફ નથી. આ વિવાદમાં પક્ષકારો તો બહુ ઓછા છે પણ જેમના સ્વાર્થ આ વિવાદ સાથે સંકળાયેલા છે એવા ઢગલો લોકો આ વિવાદમાં ઘૂસેલા છે. એ બધાને ખુશ કરી શકાય એમ જ નથી. શરૂઆતમાં આ મામલો અયોધ્યા પૂરતો મર્યાદિત હતો ત્યારે સમાધાનના પ્રયાસો કદાચ સફળ થયા હોત પણ હવે આ મુદ્દો રાષ્ટ્રીય બની ગયો છે. હિન્દુવાદી સંગઠનોથી માંડીને કટ્ટરવાદી મુસ્લિમો સુધીના બહુ બધા લોકોની દુકાન આ મુદ્દા પર જ ચાલે છે. તેના કારણે એ લોકો કોર્ટ બહાર સમાધાન કરી લે એ શક્ય જ નથી. જે પણ અદાલત બહાર સમાધાન કરવા તૈયાર થાય એ પોતાની કોમમાં અળખામણો થાય તેથી કોઈ એ જોખમ લેવા પણ તૈયાર ના થાય. આ સંજોગોમાં અદાલત બહાર સમાધાનની વાતમાં દમ નથી.