વૈદ્યના ખાટલે: આરોગ્ય ખાતું જ માંદુ!

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ભલામણ એવી છે કે એક હજાર દર્દીઓ દીઠ એક ડૉક્ટર હોવો જોઈએ તેના બદલે ભારતમાં 11 હજાર દર્દીઓની સેવામાં માત્ર એક તબીબ છે! જે દેશનું અર્થતંત્ર નબળું હોય એ દેશના લોકોમાં આરોગ્યની સમસ્યાઓ વધારે હોય તેવું માનવું ભૂલ ભરેલું નથી. ભારત દેશની જ વાત કરીએ તો વિશ્ર્વના દેશોની સરખામણીમાં આરોગ્યની કાળજી લેવા માટે બહુ ઓછો ખર્ચ સરકાર કરી શકે છે. ભારત તેના જીડીપીના માત્ર એક ટકો ખર્ચનું ભંડોળ આરોગ્યની કાળજી માટે ફાળવી શકી છે જ્યારે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ ચીન જીડીપીના 40 ટકા અને ફ્રાન્સ, યુકે અને જર્મની જેવા વિકસિત દેશો 70 ટકા જેટલી ફાળવણી મેડિસિન્સ માટે કરે છે. એજ રીતે યુએસ અને કેનેડા 40થી પ0 ટકા ખર્ચ કરે છે! જેને વૈદકીય ખર્ચ કહી શકાય તે માટે ભારત માત્ર 4 ટકાથી વધારે ખર્ચ કરી શકતો નથી.
બીજી તરફ દેશની આરોગ્ય વિષયક સ્થિતિ એવી છે કે, આપણે એ ક્ષેત્રે ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છીએ. દેશમાં સારામાં સારી આરોગ્ય સારવાર ખાનગીક્ષેત્ર દ્વારા થાય છે. દેશમાં દસમાંથી નવ ડૉક્ટર્સ ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, પણ હકીકત એવી છે કે અંદાજે 60 કરોડ ગ્રામીણ વિસ્તારના લોકો અને શહેરોમાં રહેતા ગરીબ લોકો માટે એ ખાનગી ક્ષેત્રોમાંની સારવારનો ખર્ચ કરી શકવાની આર્થિક શક્તિ નથી આર્થિક ક્ષેત્રે વિશ્ર્વના ચોથા ક્રમે સ્થાન ધરાવતા ભારત દેશનું સ્થાન યુ.એન.ની યાદીમાં છેક તળિયે આવે છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતના 70 ટકા લોકો તેમની મોટાભાગની આવક આરોગ્યની કાળજી પાછળ ખર્ચી નાખે છે! જેના કારણે 40 મિલિયન લોકો દર વર્ષે ગરીબાઈ તરફ ધકેલાઈ જાય છે! સેવ ધ ચિલ્ડ્રનના અહેવાલ દેશમાં ર.6 મિલિયન આરોગ્ય કર્મચારીઓની અછત છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ભલામણ એવી છે કે એક હજાર દર્દીઓ દીઠ એક ડૉક્ટર હોવો જોઈએ તેના બદલે ભારતમાં 11 હજાર દર્દીઓની સેવામાં માત્ર એક તબીબ છે! એમબીબીએસની સરખામણીમાં અન્ય કોર્સ કરનારા ડૉક્ટર્સને તાલીમ આપીને ગ્રામીણ વિસ્તારોમાં મોકલવાની જરૂર છે, જે અન્ય વિકસતા દેશોમાં સફળ રહ્યું છે. સરકારે પણ આરોગ્ય ક્ષેત્રના આંતરિક માળખાને સુદ્રઢ બનાવવા વધારે રોકાણ કરવાની જરૂર છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં.
કેન્દ્ર સરકારની નથીંક ટેંકથ ગણાતા નીતિ આયોગે દેશનાં રાજ્યોની આરોગ્ય સ્થિતિનો કયાસ કાઢ્યો છે, તે મુજબ કેરળ સૌથી ઉપરનું સ્થાન ધરાવે છે અને ઉત્તર પ્રદેશનું સ્થાન સૌથી નીચે આવે છે. તબીબી નિષ્ણાંતોના અભાવે આ સ્થિતિ સર્જાય છે.
ઉત્તર પ્રદેશમાં એક જ સિરિન્જ દ્વારા સેંકડો દરદીઓને ઈન્જેકશન આપવામાં આવતાં એચઆઈવીનો ચેપ લાગ્યો છે, જ્યારે તેલંગણામાં એક મહિલાને ગર્ભપાત માટે લાવવામાં આવી તો ઓપરેશન પછી તેનો અન્નનળીનો નીચેનો ભાગ યોનીની બહાર આવી ગયો! આવી ઘટનાઓ દેશના ગ્રામીણ વિસ્તારોમાં બનતી હશે. તેમાં પણ નીતિ આયોગ્યના ઈન્ડેક્સ મુજબ રાજસ્થાન, બિહાર અને ઓડિશામાં આરોગ્ય ક્ષેત્રે કથળેલું જોવા મળ્યું છે.
આવી સ્થિતિ પછી, બજેટમાં ગ્રામીણક્ષેત્ર અને ગરીબો માટે આરોગ્ય સુધારનીતિ જાહેર કરી છે, જે નમોદી કૅરથ તરીકે જ વધુ ઓળખાશે. આ યોજના ટ્રસ્ટમોડેલ અથવા ઈન્શોરન્સ મોડેલ મુજબ 1લી એપ્રિલથી અમલમાં મુકાશે, દરદીઓનો વીમો ઉતરાવી તેમને નકેશલેસથ સુવિધા ઉપલબ્ધ કરાવાશે એવા ગરીબ પરિવારો ખાનગી હૉસ્પિટલ્સમાં પણ પાંચ લાખ સુધીની સારવાર લઈ શકશે.
સમગ્ર દેશમાં દોઢ લાખ આરોગ્ય કેન્દ્રો ખોલવા ઉપરાંત જરૂરી દવાઓ અને તપાસ નિ:શુલ્ક રીતે એ સેવાઓ ઉપલબ્ધ કરાશે. ડૉક્ટર્સની અછત દૂર કરવા ર4 જિલ્લા આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરાશે. દર ત્રણ સંસદીય વિસ્તારોને આવરી લેતી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે.
તેમાં જરૂરી બાબત એ બની રહેશે કે, પ્રશિક્ષિત તબીબ અને પૂરી પાડતી દવાઓનું પરીક્ષણ! લોકોનું આરોગ્ય સુધરશે તો અર્થતંત્ર પણ સુધરશે.