કાશ્મીરમાં સૈન્ય કેમ્પ પર આતંકી ત્રાટક્યા: બે જવાન શહીદ

આંતકીને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઇ: સમગ્ર વિસ્તારમાં રેડએલર્ટ
9 ફેબ્રુ.એ અફઝલ ગુરૂની ‘વરસી’ને જૈસ-એ-મોહમદ ત્રાટકી શકે તેવી ચેતવણી અપાઇ હતી
જમ્મુ તા.10
જમ્મુ-પઠાણકોટ રસ્તા પર આવેલા સુંજુવાનમાં શનિવારે વહેલી સવારે આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો થયો છે. હુમલામાં ભારતીય સૈન્યના બે જવાનો શહીદ થયા હોવાનું અને અન્ય સાત જવાન ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. અત્યંત ગંભીર એવા આ બનાવની કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને જાણ કરવામાં આવી છે. હુમલા ઘટના બાદ સ્થળ સુંઝવાન વિસતારમાં તમામ સકૂલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સેનાના કેમ્પ પર વહેલી સવારે 5 વાગ્યે હુમલો કર્યો હતો તેવી માહિતી મળી રહી છે. કહેવાય છે કે આ હુમલામાં એક હવાલદાર અને તેની દીકરી સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. આતંકી હુમલા બાદ સેના એ આખા વિસ્તારને ઘેરી લીધો છે. જમ્મુ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. બીજીબાજુ સુંજવાન આર્મી કેમ્પમાં સંભળાઇ રહ્યો છે ગોળીઓનો અવાજ. 500 મીટરના દાયરામાં સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ અપાયો.
આખા વિસ્તારની ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટસના મતે આતંકીઓની તરફથી ફાયરિંગ હાલ બંધ છે. સુરક્ષાકર્મી કેમ્પની અંદર આતંકીઓને શોધવામાં લાગી ગયા છે. કહેવાય છે હુમલામાં 3 થી 5 આતંકી સામેલ છે. આતંકી કેમ્પમાં જ છુપાયા હોવાની કહેવાઇ રહ્યું છે. તેમને શોધવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. જમ્મુના આઇજીપી એસડી સિંહ જમવાલ એ કહ્યું કે સવારે લગભગ 4:55 વાગ્યે એક સંતરી એ શંકાસ્પદ હરકત દેખાડી. સંતરીએ ફાયર કર્યું તો બીજીબાજુ પણ ગોળીઓ ચાલી. કેટલાં આતંકી છે, તે ખબર પડી નથી. એક હવાલદાર અને તેની દીકરી ઘાયલ થયા છે. આઇજીપી એ કહ્યું કે આતંકીઓને પકડવા માટે શોધખોળનું અભિયાન ચાલી રહ્યું છે.
ગુપ્તચર એજન્સીઓએ પહેલાં જ ચેતવણી આપી હતી કે અફઝલ ગુરૂને ફાંસી પર લટકાવાની (9 ફેબ્રુઆરી 2013) વરસીપર જૈશ-એ-મોહમ્મદ આતંકી સેના પર હુમલો કરી શકે છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આઈજી એસડી સિંહ જામવાલે જણાવ્યું છે કે, શનિવારે સવારે 4.55 વાગે સંતરીના બંકર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ત્યારપછી જવાબી કાર્યવાહીમાં જવાનો દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આતંકી સેના એક ક્વાર્ટરમાં ઘુસી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 7 જાન્યુઆરીએ સીઆરપીએફના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. જેમાં 3 કેપ્ટન સહિત 5 શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.સીઆરપીએફના પ્રવક્તા રાજેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આવુ પહેલીવાર થયું છે જ્યારે લોકલ ટેરરિસ્ટે સુસાઈટ એટેક કર્યો હોય. ગયા વર્ષે ખીણ વિસ્તારમાં 182 બટાલિયન બીએસએફ કેમ્પ પર ઓક્ટોબરમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. સિક્યુરિટી ફોર્સની કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. જોકે એક જવાન શહીદ પણ થઈ ગયા હતા. ત્યારે આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ પહેલાં જૂનમાં સીઆરપીએફના કાફલા પર લશકર-એ-તોઈબાના આતંકીઓએ હુમલો કર્યો હતો. તેમાં એક સબઈન્સપેક્ટર શહીદ થઈ ગયા હતા, જ્યારે બે જવાન ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી પણ લશકર-એ-તોઈબાએ લીદી હતી. ગાડી પર ફાયરિંગ કર્યા પછી આતંકી બાજુની એક સ્કૂલમાં છુપાઈ ગયા હતા. થોડી વાર પછી આર્મીએ સ્થિતિ સંભાળી હતી અને સ્કૂલમાં છુપાયેલા દરેક આતંકીઓને મારી દીધા હતા.