મોબાઇલ ફોન સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને ‘નાપાસ’ કરશે બોર્ડ

 ‘નાપાસ’ જાહેર કરવા ઉપરાંત આગામી બે વર્ષ માટે પરિક્ષા આપવા પર પણ પ્રતિબંધ
ગાંધીનગર તા.10
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનાર ધોરણ.10 અને 12ની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે આકરા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ સાથે પકડાશે તો તે ત્રણ વર્ષ માટે પરીક્ષા આપી શકશે નહી તેવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે, ચાલુ વર્ષની પરીક્ષામાં નાપાસ જાહેર કરાશે અને તે સિવાય આગામી બે વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાદવામાં આવશે. મહત્વનું છે કે, પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ જાણી શકે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલ નિયમોનું લીસ્ટ દરેક સ્કૂલના નોટીસ બોર્ડ પર લગાવવાની સુચના આપવામાં આવી છે.
બોર્ડે જાહેર કરેલા નિયમો પ્રમાણે, પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાંથી પ્રશ્નપત્ર કે ઉત્તરવહી બહાર ફેંકી હોય તો તેનું સમગ્ર પરીણામ રદ કરાશે. વિદ્યાર્થી તેની સાથે ઉત્તરવહી લઈને જતો રહે તો સમગ્ર પરીણામ રદ કરવામાં આવશે ઉપરાંત આગામી એક પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાદવામાં આવશે. પરીક્ષા ખંડમાં ઉત્તરવહીની આપ લે કરનાર વિદ્યાર્થીઓનુ પરિણામ રદ કરાશે. સીસીટીવી ફૂટેજ તપાસથી વખતે એકબીજા વિદ્યાર્થી ઈશારો કરતા ઝડપાશે તો તેમનું પરિણામ પણ રદ કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી પોતાની સાથે કોઈ ઘાતકી હથિયાર સાથે લઈને આવશે તો પણ પરીક્ષામાં બેસવા દેવામાં નહી આવે. આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકતા હોય છે જો આ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો તે વિદ્યાર્થીનું સમગ્ર પરિણામ રદ કરવા ઉપરાંત એક પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાદવામાં આવશે. જોકે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોય છે પરંતુ તે સજા અંગે વિદ્યાર્થીઓ પહેલાથી વાકેફ હોતા નથી.