સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી છવાયું ગાઢ ધુમ્મસ


રાજકોટ, તા. 9
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ વર્ષે ગમે તેમ પણ કુદરત શિયાળાને સેટ થવા દેતી નથી. હવે અંતિમ ચરણમાં 12 થી 15 ડીગ્રી વચ્ચે ઠંડી જળવાઈ રહેવાની આગાહી વચ્ચે આજે ફરી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ધરતીએ ગાઢ ધુમ્મસની ચાદર ઓઢી હતી એટલું ગાઢ ધુમ્મસ છવાયુ હતું કે 20 થી 30 ફૂટ દૂરનું પણ લોકોને નજર પડતું નહતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ વર્ષે ઠંડીના દિવસો આવ્યા જ નથી. એકાદ-બે વાર ડિસે.-જાન્યુ.માં કોઈક સ્થળે 10 ડીગ્રી નીચે તાપમાન સિવાય અન્ય મોટા ભાગના સ્થળોએ ન્યુનતમ તાપમાન 15 ડીગ્રી આસપાસ જેને કારણે મોટા ભાગે ચાલુ શિયાળામાં ઠંડીના દિવસોને બદલે લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થતો આવ્યો હતો. 10 થી 15 લઘુતમ તાપમાન અને 30 ડીગ્રી આસપાસ મહતમ
તાપમાનને કારણે દિવસ-રાત લોકો ખુશ્નુમા હવામાનનો માહોલ અનુભવી રહ્યા હતાં. દરમિયાન ચાલુ સપ્તાહના પ્રારંભે વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ફરી બે દિવસ વાતાવરણ પલ્ટો આવ્યો હતો અને સોમ-મંગળ ધાબળછાયુ વાતાવરણ બની રહેવા સાથે કેટલાક સ્થળોએ છુટાછવાયા હળવા ઝાટવા વરસીયા હતા બાદ બે દિવસમાં 2 થી 6 ડીગ્રી સુધી જેટલુ તાપમાન ઘટી જતા લોકોને ઠંડીના ચમકારાનો અનુભવ શરૂ થયો હતો.
તેવામાં ચાલતા પશ્ર્ચિમ અને ઉતર પશ્ર્ચિમના પવનથી હવામાં દરીયાઈ ભેજ વધી ગયો હતો સાથે જ લઘુતમ તાપમાન પટકાવા સાથે મહતમ તાપમાન 30 ડીગ્રી આસપાસ રહ્યા બાદ રાત્રીના સમયે પવન પડી જતા ભેજ ઝાપળ વર્ષામા પરિવર્તીત થઈ હતી જેને કારણે આજે વ્હેલી સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાઢ ધુમ્મસનું અવરણ છવાયુ હતું.
ધુમ્મસ એટલુ ગાઢ હતુ કે 20 થી 30 ફૂટ દૂરનુ જોવા માટે લોકોને તકલીફ પડી હતી તો ગાઢ ધુમ્મસને કારણે મોટા ભાગના સ્થળોએ હાઈવે પર વાહન ચાલકોની ગતી સીમીત થઈ ગઈ હતી. તો શહેરોમાં નાના-મોટા અકસ્માતોના બનાવો બન્યા હતાં એવામા આગામી સપ્તાહમા 10 થી 15 ડીગ્રી વચ્ચે ન્યુનતમ તાપમાન જળવાયા બાદ શિયાળો વિદાય લેશે તેવી આગાહી હવામાન વિભાગના સ્થાનીક કચેરીને સુત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.
રાજકોટ
રાજકોટમાં સતત મિશ્ર ઋતુનો માહોલ યથાવત રહ્યો છે બે દિવસમાં 4 ડીગ્રીથી વધુ તાપમાનના ઘટાડા બાદ મામુલી ઘટાડા સાથે આજે પણ વ્હેલી સવારે ઠંડીનો ચમકારો જળવાઈ રહ્યો જો કે રાતભર ઝાકળ વર્ષા થયા બાદ સવારે મોડે સુધી શહેરમાં ગાઢ ધુમ્મસ થવાયુ હતું જેને કારણે લોકોને ખુશ્નુમા હવામાનનો આનંદ ઘરની બહાર માણવા મળ્યો હતો. શહેરનું ન્યુનતમ તાપમાન 14.5 ડીગ્રી નોધાયુ હતું તો સવારે હવામનાં ભેજનું પ્રમાણ 93 ટકા હતું ગઈકાલે મહતમ તાપમાન 30.8 ડીગ્રી નોધાયુ હતું. જયારે વ્હેલી સવારે પવન સંપૂર્ણ પડી ગયો હતો બાદમાં સવારથી જ લોકોને ગરમી અને બફારાથી પરેશાન થવુ પડયું છે.