મલિંગા નિવૃત્ત થવાનું વિચારે છે

સેન્ટ મોરિટ્ઝ તા.9
શ્રીલંકાના ઝડપી ગોલંદાજ લાસિત મલિન્ગાએ તેની નિવૃત્તિનો સંકેત આપતા કહ્યું હતું કે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં તેની કારકિર્દી પૂરી થઈ ચૂકી હોવાથી તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી માનસિકપણે થાકી ગયો છે. મલિન્ગાની તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.) ટીમના બોલિંગ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
મલિન્ગા મુંબઈ ઈન્ડિયન્સની વિજયી ટીમનો છેલ્લા દશકામાં એક મુખ્ય ખેલાડી હતો અને તે ટીમે સ્પર્ધામાં અત્યાર સુધીમાં રમેલી કુલ 157 મેચમાંથી તેણે 110 મેચમાં ભાગ લીધો હતો. માનસિકપણે હું ક્રિકેટ રમીને ખૂબ થાકી ગયો છું અને કોઈ વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની હું હવે આશા રાખતો નથી તથા હું વહેલાસર મારી નિવૃત્તિની જાહેરાત કરવાનું વિચારી રહ્યો છું, એમ અહીં આઈ ક્રિકેટ ચેલેન્જ સ્પર્ધામાં રમવા આવેલ મલિન્ગાએ કહ્યું હતું.
મલિન્ગાએ કહ્યું હતું કે તેણે પોતની નિવૃત્તિ બાબતમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ જોડે હજી વાત કરી નથી, પણ સ્વદેશ પાછા ફરી પોતે થોડું રાષ્ટ્રીય સર્કિટનું ક્રિકેટ રમશે અને જોસે કે તેનું શરીર કેવો જવાબ આપે છે.તેણે વધુમાં કહ્યું હતું કે હવે આઈ. પી. એલ.માં હવે તેની કારકિર્દી પૂરી થઈ ચૂકી હોવાથી અને મુંબઈ ઈન્ડિયન્સ જોડે તે નવું પ્રકરણ શરૂ કરી રહ્યો હોવાથી પોતે કદાચ ફરી રમશે નહીં. મલિન્ગાએ વધુમાં કહ્યું હતું કે દરેક ફાસ્ટ બોલરને તેનું શરીર નિવૃત્તિનો સંકેત આપે છે અને મહાન વસિમ અકરમના કિસ્સામાં પણ આમ બન્યું હતું.34 વર્ષના મલિન્ગાએ ટી-20 ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય તથા પ્રીમિયર લીગ સ્પર્ધાઓમાં વિવિધ ટીમ વતી કુલ 248 મેચમાં રમી 331 વિકેટ લીધી છે.