અકસ્માતમાં ચાર આશાસ્પદ યુવકોનાં મોતને પગલે લીંબડા (હનુભા)માં ગમગીની

કારનું ટાયર ફાટતા સર્જાયેલી દુર્ઘટનાથી લગ્નના ઉમંગ માતમમાં પરિવર્તિત થતા શોક
ભાવનગર તા,9
ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના લીંબડા (હનુભા)ના ગામે આજે ગુરૂવારે સવારે બોયાદના ખાંભડા ગામે લગ્નની જાન રવાના થઈ હતી. આ જાનમા ગયેલા ચાર જાનૈયાઓની કાર સાળંગપુર નજીક નાળામાં ખાબકતા ત્રણને ગંભીર ઈજા પહોંચતા ત્રણેયના ઘટનાસ્થળે જયારે અન્ય એકની
સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં ફરજ પરના તબીબે તપાસી તેને પણ મૃત જાહેર કરતા મૃત્યુઆંક 4ને આંબી ગયો છે જયારે અન્ય ત્રણને પણ ગંભીર ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડાયેલ છે.
આ ગમખ્વાર વાહન અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે લગ્નની જાન બોટાદના ખાંભડા ગામે જવા નીકળી હતી આ જાનમાં વરરાજાના કેટલાક મીત્રો જાનૈયાઓ મારૂતી અર્ટીગા કાર નંબર જીજે 5 જેપી 9722 લઈને લગ્ન પુરા થયા બાદ વરરાજાના મીત્રો કારમાં સાળંગપુર દર્શન કરવા નીકળ્યા હતા.
આ કાર સાળંગપુરથી એક કીમી દુર હતી ત્યારે કારચાલકે કોઈ કારણસર સ્ટયરીંગ પરનો કાબુ ગુમાવતા મોટર કાર પલ્ટી ખાઈને નજીકમાં આવેલા નાળામાં ખાબકી હતી. આ વાહન અકસ્માતમાં કારમાં બેઠેલા ઘનશ્યામભાઈ નાનજીભાઈ તલસાણીયા (ઉ.38), વિપુલ ધીરૂભાઈ મકવાણા (ઉ.24) મયુર અશોકભાઈ સોલંકીને ગંભીર ઈજા પહોંચતા ત્રણેયના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે સચીન મુકેશભાઈ બારૈયા (ઉ.23) સહિત અન્ય ત્રણને ઈજાઓ પહોંચતા બોટાદની સોનાવાલા હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા જયાં સચીન બારૈયાને તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જયારે અન્ય ત્રર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડંયા છે.
આ બનાવમાં ચાર વ્યકિતઓના મોત નિપજયા છે. જયારે અન્ય ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ બનાવની જાણ થતા બરવાળાના પીએસઆઈ રાણા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.