પોરબંદરમાં લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાને ભડાકા કરતા અણવર ઘવાયો


પોરબંદર, તા.8
પોરબંદરની ભાણજી લવજી લોહાણા મહાજનવાડીમાં બોન્ડ રાઇટરના પરિવારના યુવાનના લગ્નમાં રાજકોટથી આવેલા સ્વજન દ્વારા ફાયરીંગ કરવામાં આવતા અણવરને ઇજા થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના જાણીતા બોન્ડ રાઇટર માંડવીયા પરિવારના યુવાનના લગ્નનું આયોજન ભાણજી લવજી લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવ્યું હતું અને આ લગ્નમાં રાજકોટથી પ્રકાશ ધીરજલાલ દવે હાજરી આપવા આવ્યા હતા. દરમિયાનમાં પોરબંદરની જીઆઇડીસીમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા વિપુલ બટુકભાઇ સત્યદેવ અણવર તરીકે હાજર હતા અને રાજકોટથી આવેલા પ્રકાશે પોતાના લાયસન્સવાળા હથિયારથી લગ્ન સમયે હવામાં ફાયરીંગ કરવા ગયો ત્યારે અચાનક જમીનના ભાગે ફાયરીંગ થઇ જતાં અણવર વિપુલના ડાબા પગના ગોઠણ નીચે ઇજા થઇ હતી. લગ્ન સમારોહમાં ઓચિંતો આ બનાવ બનતા ભારે નાસભાગ મચી હતી. ગંભીર પ્રકારના આ બનાવમાં વિપુલે પ્રકાશ રાજદેવ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં હથિયાર લાયસન્સની શરતોનું ભંગ કર્યાનું પણ જણાવાયું છે.