પોરબંદરમાં ગુમ થયેલ વૃધ્ધની સળગેલી લાશ મળી

પોરબંદર તા,8
પોરબંદરમાં ગુમ થયેલા આધેડે ચોપાટી ઉપર સળગી આપઘાત કર્યો
સવારે અજાણી વ્યકિતનો સળગાવી દીધેલો મૃતદેહ પડયો હોવાની પોલીસને લોકોએ જાણ કર્યા બાદ સત્ય બહાર આવ્યું: બિમારીથી કંટાળી જીંદગી ટુંકાવ્યાનું ખુલ્યું.
પોરબંદરની ચોપાટી ઉપર સ્મશાનની સામેની બાજુએ ભેખડ નજીક અજાણી વ્યકિતને સળગાવી દીધી હોવાની કોઇએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને અંતે તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, ગુમ થયેલા આધેડે સળગીને આપઘાત કરી લીધો છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના વાઘેશ્ર્વરીપ્લોટમાં રહેતા જમનભાઇ દેવકરણભાઇ ચાવડા નામના 76 વર્ષીય વૃધ્ધ તેમના ઘરેથી કયાંક ચાલ્યા ગયા હતા આથી તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી. આમ છતાં તેનો અત્તોપત્તો નહીં મળતા અંતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણ કરવામાં આવી હતી.
દરમિયાનમાં પોરબંદરની ચોપાટી ઉપર સવારે મોર્નિંગવોક કરવા આવતા લોકો હિન્દુ સ્મશાનભુમિ સામેથી પસાર થયા ત્યારે અજાણી વ્યકિતનો સળગાવી દીધેલો મૃતદેહ પડયો હોવાનું લોકોના ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા એ મૃતદેહ ગુમ થયેલા જમનભાઇ ચાવડાનો હોવાનું જણાતા તેમના પુત્રને બોલાવવામાં આવ્યા હતા અને તેમણે પોતાના પિતાનો મૃતદેહ ઓળખી બતાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા જુદી-જુદી બિમારીઓથી પીડાતા હતા જેથી જીંદગીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યુ છે. મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. આ બનાવ આત્મહત્યાનો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સવારે ચોપાટી ઉપર સળગેલી વ્યકિતનો મૃતદેહ પડયો હોવાની વાત વહેતી થતાં લોકો પણ ત્યાં દોડી ગયા હતા. એફએસએલની ટીમને પણ જાણ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.