હર...હર... મહાદેવના નાદ સાથે કાલથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ

ભાવિકો માટે એસ.ટી. તંત્ર દ્વારા 200 બસ શરૂ કરાઇ: ભવનાથ જવા ખાસ 40 મિનિ બસ દોડાવશે: 4 જિલ્લાની પોલીસનો બંદોબસ્ત: સીસીટીવી કેમેરા ગોઠવાયા: દિગમ્બર સાધુઓનું પણ આગમન
જૂનાગઢ,તા.8
આવતીકાલ 9મી ફેબ્રુઆરી ને મહાવદ નોમથી ભવનાથ તીર્થક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેળામાં આવી રહયા હોવાથી તેના આગમનને લઈને વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાવદ નોમ થી મહાવદ તેરસ એમ પાંચ દિવસ ચાલનારા મહાશિવરાત્રીના મેળામાં આવતા લાખો યાત્રિકો માટે વીજળી પાણી અને સલામતીની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે એ ઉપરાંત રહેવા અને જમવાની વ્યવસ્થા વિવિધ ઉત્તરાઓમાં થાય છે જેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે મેળાના પ્રારંભ પહેલા સાધુ સંતોનું આગમન થઇ રહ્યું છે મેળાના સ્થળે ધુણા બનાવવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા રાવટીઓ પણ નાખવામાં આવી રહી છે. આ મેળો મહાવદ તેરસ ને મહાશિવરાત્રીના દિવસે બપોરથી મેળામાં આવતા લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે જેને કારણે વાહનોને પ્રવેશ આપવામાં આવતો નથી આ સ્થળ ઉપર બેરીકેટ લગાવવાનું કામ પણ કરવામાં આવે છે ખાસ કરીને મહાનગર પાલિકા દ્વારા પાણીની ટાંકીઓ મૂકી દેવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે 4 જીલ્લાના પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ મેળાના બંદોબસ્તમાં ફરજ બજાવશે. તથા વિવિધ સ્થળોએ સીસિ કેમેરા દ્વારા નીગરાની રખાશે. જૂનાગઢ શિવરાત્રી મેળા માટે એસ.ટી.તંત્ર દ્વારા 200 જેટલી ખાસ બસ શરૂ કરવામાં આવી છે.
જ્યારે ભવનાથ જવા માટે ખાસ 40 મીની બસ શરૂ કરવામાં આવી છે. મેળામાં ઉમટી પડનાર ભાવિકો માટે 100થી વધુ અન્નક્ષેત્રોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ઉતારા-મંડળી દ્વારા રાવટીઓ શરૂ કરવામાં આવી છે. મેળામાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડનાર છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને અંતિમઓપ આપવામાં આવી રહી છે.