ઉ.પ્ર.માં 40 લોકોને જીવલેણ દર્દ આપનારો ડોક્ટર ઝડપાયો

ઉન્નાવ તા.8
યુપીના ઉન્નાવમાં બાંગરમઉ જિલ્લાના કેટલાક ગામોમાં ચેપી ઈન્જેક્શન લગાવાયા બાદ 40થી વધુ લોકોમાં એચઆઈવીનો ચેપ જણાતા સ્થાનિક લોકોમાં હડકંપ મચ્યો છે. બીજી તરફ, પોલીસે બુધવારે ચેપી સોયનો ઉપયોગ કરનારા ઊંટવૈદ્યની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે, આ ઊંટવૈદ્યએ કથિત રીતે બધા દર્દીઓની સારવાર દરમિયાન એક જ સોયનો ઉપયોગ કર્યો હતો. એ કારણે ઘણા ગામોના લોકોને એચઆઈવીનો ચેપ લાગી ગયો.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2017માં બાંગરમઉ જિલ્લાના કેટલીક ગામોમાં એક એનજીઓએ હેલ્થ કેમ્પ લગાવ્યો હતો. જેમાં તપાસ દરમિયાન કેટલાક લોકોમાં એચઆઈવીના લક્ષણ મળ્યા. તેમને વધુ તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં ઘણા લોકોમાં ચેપની વાત સામે આવી હતી. દર્દીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, વિસ્તારમાં લોકોની સારવાર કરનારો એક ઊંટવૈદ્ય એક જ ઈન્જેક્શનનો વારંવાર ઉપયોગ કરતો હતો. માનવામાં આવી રહ્યું છે કે, ઊંટવૈદ્યએ એ ઈન્જેક્શન કોઈ એચઆઈવી પીડિતને લગાવ્યું હશે. તેનાથી તેની સોય ચેપી થઈ ગઈ હશે. પછી એ જ ઈન્જેક્શન તેણે અન્ય દર્દીઓને લગાવ્યું હશે અને આ રીતે એચઆઈવીનો ચેપ અન્ય લોકોમાં ફેલાયો હશે.
હવે બાંગરમઉ જિલ્લાના આ ગામોમાં 40થી વધુ લોકોમાં એચઆઈવીના ચેપનો મામલો સામે આવ્યા બાદ લોકો ડરી ગયા છે. મંગળવારે ગામના લોકોએ માગ કરી હતી કે, ગામના દરેક વ્યક્તિનો એચઆઈવી ટેસ્ટ કરવામાં આવે અને ચેપ જણાય તો તેમની સારવાર કરાવવામાં આવે.