ફી નિયમનના અમલ માટે ગુજરાત સરકાર સુપ્રીમને દ્વાર

ગાંધીનગર તા.8
ગુજરાતની સ્વનિર્ભર શાળાઓ માટે રાજ્ય સરકારે લાગુ પાડેલ ફી નિયમન એકટ અંગે 1 ફેબ્રુઆરીના રોજ સુપ્રિમ કોર્ટે કરેલા વચગાળાના આદેશના કેટલાક મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્રન અને આદેશ મેળવવા રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા આ અરજી આજે સુપ્રિમ કોર્ટમાં દાખલ થઇ છે જે આજ રોજ મેન્શન થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના ફી નિયમન અંગેના કાનૂનના અમલ સંદર્ભે તથા જે જૂના કેસ નક્કી થઇ ગયા છે તેના અમલ અંગે પણ રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટ પાસેથી સ્પષ્ટતા અંગે દાદ માંગી છે.
શિક્ષણમંત્રીએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ફી નિયમન એકટનો અમલ વર્ષ 2017-18ના વર્ષની અસરથી થાય તે માટે આગ્રહી હોવાથી તેનો વર્ષ 2017-18થી જ અમલ થાય તે માટે સુપ્રિમ કોર્ટના આ એપ્લીકેશન દ્વારા દાદ માંગી છે. ઉપરાંત જે કેસ અંગે જે તે સમયે ફી નિર્ધારણ કમિટિ દ્વારા ફી નિર્ધારણ અંગેના આદેશો થઇ ગયા છે તેનો અમલ કરવા બાબતે પણ સુપ્રિમ કોર્ટમાં માર્ગદર્શન મેળવ્યું છે.
સુપ્રિમ કોર્ટે તેના વચ્ચગાળાના આદેશમાં એવો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે આ આદેશ સંદર્ભે વધુ સ્પષ્ટતાઓ કે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે અરજદાર જકે પક્ષકારે માત્ર સુપ્રીમ કોર્ટમાં જ રજૂઆત કરવાની રહેશે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં જરૂરી માર્ગદર્શન કે સ્પષ્ટતા મેળવવા અરજી કરી છે.