રૈયા સિટીબસ ડેપોમાં 4પ ડ્રાઇવરોની વીજળિક હડતાલ

રાજકોટ તા.13
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સેવાના રૈયા ડેપોના 4પ ડ્રાઇવરોએ આજે સવારે અચાનક હડતાલ પર ઉતરી જતા એજન્સી અને મનપાના અધિકારીઓ દોડી ગયા હતા.
ભારે સમજાવટના અંતે તમામ ડ્રાઇવરોએ હડતાલ સમેટી બસ સેવા શરૂ કરી હતી.
મહાનગરપાલીકા દ્વારા સીટી બસમાં ચેકીંગની કામગીરી દરમ્યાન સમયસર બસ ન પહોચવી તેમજ ટાઇમટેબલ ખોરવી નાખવામાં બસના ડ્રાઇવરો જવાબદાર બને છે તેમજ ટીકીટ ન આપવી સહિતની બેદરકારી બદલ ગત સપ્તાહે સીટી બસની એજન્સીને દંડ કરવામાં આવેલ અને બારથી વધુ ડ્રાઇવરોને છુટા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એજન્સીએ કસુરવાન ડ્રાઇવરોના પગારમાંથી દંડની રકમ વસુલાત કરવાનું શરૂ કરતા સીટી બસના ડ્રાઇવરોમાં અસંતોષ ફેલાયો હતો અને આ મુદ્દે એજન્સીને રજૂઆત કરવામાં આવી હતી છતા એજન્સીએ પેનલ્ટી કાપવાનું ચાલુ રાખતા આજરોજ રૈયા ડેપોના સીટી બસના ડ્રાઇવરોએ બસ નહીં ચાલે તેમ કહી હડતાલ પર ઉતરી ગયા હતા.
રૈયા ડેપોના 4પ થી વધુ ડ્રાઇવરો અચાનક હડતાલ પર ઉતરી જતા આ ઘટનાની જાણ એજન્સીને તથા મહાનગરપાલિકાના અધિકારીઓને થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોચી ડ્રાઇવરોની સમસ્યા સાંભળી ઘટતું કરવાની ખાત્રી આપતા તમામ ડ્રાઇવરો બે કલાકની હડતાલના
અંતે નોકરી પર ચઢી ગયા હતા અને બસ સેવા પૂર્વવત ચાલુ કરવામાં
આવી હતી.