સદગુરુ સદન-આશ્રમમાં ધેનુના ધણની પૂજા-અર્ચના સાથે ઉજવાશે પુણ્યદાનનું પર્વ : ગૌશાળા તપભીની!

રાજકોટ તા,13
અહીં આશ્રમ રોડ પર માનવસેવાની વિવિધ પ્રવૃતિઓથી ધમધમતા પરમ તિર્થધામ સમા શ્રી સદગુરુ સદન-પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના તપોવનસમા આશ્રમમાં મકરસંક્રાંતી-ઉત્તરાયણના પર્વની તા.14/1/2018, રવિવારના રોજ રંગેચંગે ઉજવણી થશે.
આ વિશિષ્ટ આયોજનમાં આશ્રમની તપભીની ગૌશાળામાં ધેનુનાં ધણની પૂજા-અર્ચના થશે. આ અવસરે ગોકુળ-વૃંદાવનની ધેનુ-ગૌમાતા વચ્ચે સદગુરુદેવના વરદાન ભીના બિલ્લાની પ્રસાદી ભેટરૂપે અપાશે જે ગુરુપૂર્ણિમાના અવસરે અપાતી ‘રક્ષાદોરી’ના અન્ય સ્વરૂપસમી દિવ્યોત્તમ બની રહેશે.
ગાયોને આપણી હિન્દુ સંસ્કૃતિમાં અને ધર્મગ્રન્થોમાં તેંત્રીસ કોટી દેવતાની મોક્ષદાયિની માતા કહેવામાં આવી છે. આપણી 71 વર્ષથી અખંડ ચલાવાતી ગૌશાળાને સદગુરુ ભગવાને તેઓશ્રીના દિવ્યોત્તમ પગલાં કરીને ગોકુળ-વૃન્દાવનના જ એક હિસ્સા સમી બનાવી હતી અને પોતાના સ્વહસ્તે આ ગૌશાળાની ગાયોને ‘ધેનુ’ કહીને વંદનીય બનાવી હતી.
આ ગૌશાળામાં પ્રત્યેક ગાય અને વાછરડાઓની પુરેપુરા પૂજયભાવ સાથે માવજત કરવામાં આવે છે અને ઉમદા ભોજનનો પ્રબંધ કરવામાં આવે છે. આ ગૌશાળાની ગાયોના દુધ અને ઘી સદગુરુદેવ પૂ.રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલના દર્દીઓને નિશુલ્ક અપાતા ભોજનમાં જ ઉપયોગમાં લેવાય છે. ગૌશાળાની ગાયો માટે ઉત્તમ પ્રકારનો ઘાસચારો તેમજ અન્ય સાત્વીક ખોરાક અપાય છે.
પૂણ્ય કરવાના શ્રેષ્ઠ પર્વ તરીકે ઓળખાતા ઉત્તરાયણ-મકરસંક્રાંતીના શુભદિને ગૌમાતા અર્થે ઉમદા દાન આપવુ અને તે નત મસ્તકે સ્વીકારીને તેનો બરાબર સદુપયોગ કરવો એ અહોભાગ્ય ગણાય. સદગુરુ આશ્રમમાં ગૌશાળા માટે પુણ્યદાન સવારના પાંચ વાગ્યાથી રાત્રીના 10:30 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.
આ વિશિષ્ટ ઉત્સવનો લ્હાવો લેવા સૌને ટ્રસ્ટીશ્રી પ્રવીણભાઇ વસાણીએ સૌને વિનંતી કરી છે.