વૃંદાવન સ્ટાઇલ ન્યૂ રેસકોર્સનો પ્રોજેક્ટ શરૂ

  • વૃંદાવન સ્ટાઇલ ન્યૂ રેસકોર્સનો પ્રોજેક્ટ શરૂ

રાજકોટ તા.13
રાજકોટના ઘંટેશ્ર્વર માધાપર નજીક ર00 એકર જગ્યામાં ન્યુ રેસકોર્ષ બનાવવાના પ્રોજેકટનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પ્રોજેકટ માટે પ્રથમ તબક્કામાં રૂા.પ કરોડની ગ્રાંટ ફાળવી છે તેમ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું છે. ગત વર્ષે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજકોટવાસીઓને વધારાનું હરવા-ફરવાનું સ્થળ મળે તે માટે ન્યુ રેસકોર્ષનું ખાતમુહૂર્ત જન્માષ્ટમી ઉપર કરવામાં આવ્યું હતું. ર00 એકર જગ્યામાં બાગ-બગીચા, કાંકરીયા તળાવ જેવો પ્રોજેકટ બનાવવા માટે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
વૃંદાવનમાં આવેલ બગીચા જેવા પોઇન્ટ ઉભા કરવામાં આવશે. 1પ0 એકર જગ્યામાં બગીચાઓ બનાવવામાં આવનાર છે. રાજ્ય સરકાર પાસે નવા રેસકોર્ષ માટે રાજકોટ જીલ્લા કલેકટરે રૂા.11 કરોડની ગ્રાંટ માગી હતી પરંતુ સરકારે પ્રથમ તબક્કામાં રૂા.પ કરોડની ગ્રાંટ ફાળવી દીધી છે.
વિશેષમાં મળતી વિગત મુજબ નવા રેસકોર્ષના પ્રોજેકટ માટે જે જમીન નક્કી કરવામાં આવી છે ત્યાં ફેન્સીંગ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જમીનને અગાઉથી જ સમથળ કરી દેવામાં આવી છે. તળાવ આસપાસની પ0 એકરની જગ્યામાં સમથળનું કામકાજ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. મહેસુલ વિભાગે જમીન સમથળ અને ફેન્સીંગ માટે અત્યારે પ કરોડ રૂા. ફાળવી દીધા છે. સમગ્ર પ્રોજેકટ રાજકોટ શહેર પ્રાંત-ર ના પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ પ્રોજેકટનું મોનીટરીંગ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.