ગુનેગારો બેફામ, પોલીસ ઢીલી ઢફ, પ્રજા પરેશાન

  • ગુનેગારો બેફામ, પોલીસ ઢીલી ઢફ, પ્રજા પરેશાન

રાજકોટમાં વધતુ ક્રાઈમ ચિંતાજનક, શહેર હવે સલામત નથી લોકોનો એક જ અવાજ નિર્દોષ સામે લાલ આંખ કરતી પોલીસ લુખ્ખાઓ સામે કડક બને  અનિરુદ્ધ નકુમ રાજકોટ, તા. 13
રાજકોટની એક ઈમેજ હતી, શાંત અને સલામત શહેરની અહીં મોડી રાત સુધી મહિલાઓ પણ નિર્ભય બનીને ફરી શકતી અને વેપારીઓને પણ ચોરી લૂંટ જેવી ઘટનાઓનો ડર નહોતો જાણે મહદઅંશે રામરાજય જોઈ લો!
મારામારી લૂંટ, ચોરીનું પ્રમાણ નહીવત હતું. પરંતુ છેલ્લા એક વર્ષથી રંગીલુ શહેર તેની આ ઈમેજ ગુમાવી રહ્યું છે, દર ત્રણ દિવસે હત્યા, દુકાનોમાં તાળા તૂટવા, છરી લઈ લુખ્ખાઓનું ઘરમાં ઘૂસી જવું, સ્કૂટર અથડાવા જેવી બાબતે છરીઓ ઉલાળવી, કોઈનું અપહરણ કરવું, દારૂનો વેપલો, જુગારના અડ્ડાઓ ધમકીઓ, વ્યાજખોરોનો ત્રાસ એ સાવ સામાન્ય ઘટનાઓ આ શહેરમાં જ બની રહી છે. ખાખીની આબરૂ લૂંટાય રહી છે, માણસ જેવા માણસને રહેંસી નાંખવાનું સાવ સહેલું થઈ ગયું છે ત્યારે એકજ અવાજે શહેરીજનો કંઈ રહ્યો છે કે ‘જાગો પોલીસ જાગો’ રાજકોટવાસી એવું અનુભવે છે કે શાંત, સલામત, ગણાતુ શહેર હવે લુખ્ખા તત્વો અને માથાભારે શખ્સોના હાથમાં આવું ગયુ છે છતાંય જોશીલી રાજકોટ પોલીસ તેનું કાંઈ બગાડી શકતી નથી, જાણે લુખ્ખાઓને પોલીસનો કોઈજ ડર ન હોય તેમ ક્રાઈમની ઘટનાઓ આકાર લઈ રહી છે. કાયદાનાં રક્ષણ કરનારે હાથમાં બંગડી પહેરી હોય તેવો ઘાટ શહેરમાં ઘડાઈ રહ્યો છે. ઢીલી ઢફ પોલીસ બનતા ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયુ છે જેના કારણે શહેરીજનો પરેશાન થઈ ઉઠયા છે, રાજકોટવાસીઓ વધતાં ક્રાઈમ રેટ તોબા-તોબા પોકારી ઉઠ્યો છે જે પ્રમાણે રાજકોટને લુખ્ખાઓએ બાનમાં લીધુ છે ત્યારે પોલીસે પોતાની કાર્યશૈલી સુધારવી પડશે, લૂંટ, ચોરી, હત્યા, લુખ્ખાઓનો આતંક હવે રાજકોટમાં સામાન્ય બની ગયા છે ત્યારે શહેરનું વધતુ ક્રાઈમ રેટ ચિંતાજનક છે.
આપણુ રાજકોટ હવે સલામત નથી, પોલીસનો ડર માત્ર સામાન્ય લોકો ફરવા જાય છે તેઓનેે ડંડા બતાવે છે વેપારીઓને ધમકાવે છે પણ લુખ્ખાઓ સામે રાજકોટ પોલીસ રીતસર ઘૂંટણિયે પડી જાય છે. રેસકોર્ષ રીંગરોડ કે અન્ય સ્થળોએ રાજકોટવાસીઓને રાત્રે પરેશાન કરતી જાંબાઝ પોલીસ લુખ્ખાઓ સામે લાલ આંખ નથી કરતી, પોલીસના આવા વર્ણનથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે. રાજકોટમાં બૂટલેગરો દારૂનો વેપલો કરે છે, હપ્તાના મોટા સેટીંગના કારણે લુખ્ખાઓએ પોલીસને ખિસ્સામાં રાખી રહી છે. હપ્તાખોરીના કારણે રાજકોટ હવે સલામત રહ્યુ નથી પોલીસે હવે સિસ્ટમમાં ફેરફાર લાવી ગુનેગારોને સબક શિખાડાવો પડશે. પોલીસની કોઈ ધાક રહી નથી, ગુનાઓ બેફામ થાય છે
શહેરમાં રહેતા વિશ્ર્વરાજ ડાભીએ જણાવ્યુ હતું કે રાજકોટમાં પોલીસની કોઈ ધાક નહીં હોવાના કારણે ક્રાઈમ રેટ વધી રહ્યો છે, પોલીસની પહેલા જેવી ધાક હવે રહી નથી જે ગુનાઓ બને છે બિહારની જેમ રાજકોટ ગુનાહિત બનતું જાય છે. રાજકોટમાં કોઈ સુરક્ષિત નથી
શહેરમાં રહેતા રમાબેન પટેલે જણાવ્યુ હતું કે હત્યાં, લુખ્ખાગીરી અને છેડતી જેવી ઘટનાઓ શહેરમાં હવે સામાન્ય બની છે. ગુનેગારોને પોલીસનો ડર ન હોય તેમ ક્રાઈમની ઘટનાઓ આકાર લઈ રહી છે રાજકોટમાં હાલની પરિસ્થિતિમાં કોઈ સુરક્ષિત નથી પોલીસે આગામી દિવસોમાં પેટ્રોલિંગમાં વધારે આવારા તત્વોની જાહેરમાં સરભરા કરવી જોઈએ.
આરોપીઓનું મનોબળ વધ્યું છે
શિક્ષક તરીકે ફરજ બજાતા માલતીબેન પ્રજાપતિએ જણાવ્યુ હતું કે શહેર પોલીસ કડક બની કામગીરી નહી કરતાં રાજકોટમાં હાલ ક્રાઈમ રેટનો પારો ઊંચે ચડી ગયો છે તેમજ કડક હાથે કામ નહી લેતા ગુનેગારોનું મનોબળ વધ્યું છે, એક ગુનો કરવાના બદલે ચાર-પાંચ ગુનો કરતાં થઈ ગયા છે, ગુનેગારોને બીક જ નથી તેવી રીતે તેઓ જાહેરમાં આતંક મચાવી રહ્યા છે હવે રાજકોટ પોલીસે આરોપીઓ સામે કડક હાથે કામ લેવું જોઈએ.
પોલીસે હપ્તા લેવાનું બંધ કરવું જોઈએ
શહેરમાં રહેતા મંજુલાબેન ચૌહાણે જણાવ્યુ હતું કે પોલીની ગુનેગારોને કોઈ બીક લાગતી નથી, લગભગ સ્થળેથી હપ્તા લેવામાં આવતા હોવાના કારણે ગુનેગારી વધી છે પોલીસ ઘણા કિસ્સામાં કેશ જ લૂલા બનાવી રહી છે તેથી ગુનેગારોને મોકળુ મેદાન બને છે જયારે હપ્તા લેવાનું બંધ થશે ત્યારે રાજકોટ સલામત બનશે.
ગુનેગારોને ડર જ નથી
રાજકોટમાં રહેતા મનોજભાઈ પટેલે જણાવ્યુ હતું કે રાજકોટમાં ગુનેગારોને કોઈનો ડર જ નથી સ્કૂટરમાં સામાન્ય અકસ્માત થાય તો માથાકુટ કરવા લાગે છે લુખ્ખાઓ બેફામ બન્યા છે પોલીસની ધાક જ ન હોય તેમ રાજકોટ ગુંડાગીરી તરફ આગળ વધી રહ્યું છે.
ગુનો કરનારને જાહેરમાં મારો
શહેરમાં રહેતા વેપારી મયંકભાઈ લાલે જણાવ્યુ હતું કે આરોપીઓની જાહેરમાં ધોલાઈ કરવામાં આવે તો જેના બીકે બીજા ગુનેગારોને ડર લાગશે. ગુનેગારોને પોલીસ કાંઈ નહી કરતી હોવાથી ગુનો કરનારા લુખ્ખાઓ બેફામ બન્યા છે હવે આવા આવારા તત્વો સામે પોલીસે જ લાલ આંખ કરવી પડશે.