બ્લાઇન્ડ ક્રિકેટમાં ભારતનો પાકિસ્તાન સામે વિજય

  • બ્લાઇન્ડ ક્રિકેટમાં ભારતનો  પાકિસ્તાન સામે વિજય

દુબઇ તા.13
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે પાકિસ્તાન સામે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં 7 વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 40 ઓવરમાં 8 વિકેટે 282 રન કર્યા હતા. ભારતે આ લક્ષ્યાંકને 34.5 ઓવરમાં વટાવી લઇ વિજય મેળવ્યો હતો.
અગાઉ પાકિસ્તાન માટે મોહમ્મદ જામિલ (બી-3) અને કેપ્ટન નિસાર અલી (બી 3)એ ત્રીજી વિકેટ માટે 137 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પૈકી જામિલ 94 રને નોટઆઉટ રહ્યો હતો. ભારતને વિજય અપાવવામાં દીપક મલિક અને વેંકટેશે અડધી સદી ફટકારીને મહત્વની ભૂમિકા અદા કરી હતી. દીપક મલિકે 8 બાઉન્ડ્રી સાથે 71 બોલમાં 79, વેંકટેશે 55 બોલમાં 64, સુકાની અજય રેડ્ડીએપણ શાનદાર બેટિંગ કરી હતી.
પાકિસ્તાને પ્રારંભિક બંને મેચમાં બાંગલાદેશ અને નેપાળ સામે વિજય મેળવ્યો હતો. આમ, પાકિસ્તાનનો પ્રથમ પરાજય છે. બીજી તરફ ભારતની ઓસ્ટ્રેલિયા સામેની પ્રારંભિક મેચ ભારે વરસાદને પગલે રદ કરવામાં આવી હતી. આ પછી ભારતે બીજી મેચમાં શ્રીલંકા સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારત હાલ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. અગાઉ બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડકપની યજમાની પાકિસ્તાનને ફાળવાઇ હતી. પરંતુ ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કરતાં બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડકપ યુએઇને ફાળવાયો છે.
પાકિસ્તાનના પાંચ પ્લેયર્સના વિઝા છેલ્લી ઘડીએ મંજૂર થયા નહોતા. જેના કારણે તેને ભારત સામે આ પ્લેયર વિના જ રમવું પડયું હતું.