નેશનલ હોકી ટીમના ખેલાડીઓને નીચે ગાદલામાં જ સૂવું પડ્યું..!

  • નેશનલ હોકી ટીમના ખેલાડીઓને  નીચે ગાદલામાં જ સૂવું પડ્યું..!

ઇમ્ફાલ તા.13
રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશિપ (બી-ડિવિઝન) માટે ઇમ્ફાલ પહોંચેલી હોકી ટીમને ખરાબ વ્યવસ્થાના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હોકી ખેલાડીઓના ઉતારા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે બધા ખેલાડીઓ જમીન પર ગાદલાં બિછાવીને સૂવા માટે મજબૂર બન્યા.
ખેલાડીઓને સૂવા માટે પલંગની પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. કડકડતી ઠંડીમાં ખેલાડીઓએ જમીન પર સૂવું પડ્યું. આ ઉપરાંત ટોઇલેટ પણ ગંદાં હતાં. ટોઇલેટની છતમાંથી સતત પાણી પડી રહ્યું હતું. ખેલાડીઓએ ફરિયાદ કરી છે કે મણિપુર સ્ટેટ ઓથોરિટીએ તેમને પ્રાથમિક સુવિધાઓ પણ નથી આપી. ઓઢવા માટે ધાબળા પણ આપ્યા નથી.
હોકી ખેલાડી કરિઅપ્પાનું કહેવું છે કે અહીં ઠંડી ઘણી છે. ઠંડીનો સામનો કરવા ધાબળાની જરૂર છે. પીવા અને નહાવા માટે ગરમ પાણીની પણ જરૂર છે. આ બધી સુવિધાઓ આપવામાં આવી નથી. આના કારણે ખેલાડીઓ બીમાર પડી રહ્યા છે. આ ઉપરાંત ખેલાડીઓ માટે જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી. ખેલાડીઓની ફરિયાદ છે કે તેમને ઠંડું ખાવાનું આપવામાં આવે છે.