ચિત્તવૃત્તિ સમાધાની રાખો, કદાપિ દુ:ખી નહીં થાવ

  • ચિત્તવૃત્તિ સમાધાની રાખો, કદાપિ દુ:ખી નહીં થાવ

આવી રુગ્ણ મનોદશાવાળા માણસને કોણ સુખી કરી શકે ? સમાધિપ્રદાયક વાતાવરણ હોવા છતાં જેના મનમાં નેગેટીવીટી જ ભરેલી હોય તેને કોઇ કદાપિ સુખી કરી શકતું નથી. મોટાભાગના માણસો પોતાના મનથી જ દુ:ખી કે સુખી હોય છે. જો મનની સાથે સમાધાન કરતા આવડે, મનને સમજાવતા આવડે તો વિકટ પરીસ્થિતિમાં પણ પ્રસન્નતા હાથવગી થઇ જાય. ચિત્તનું સમાધાન કરતા આવડવું જોઇએ - એ મુખ્ય વાત છે. બાકી, ચિત્તનું સમાધાન કરતા જેને ન આવડે તે કદાપિ સુખી થઇ શકતો નથી.
વસંત ઋતુમાં બગીચાના એક બાંકડા ઉપર ઉદાસ ચહેરે એક ભાઇ બેઠા હતા. વાતાવરણ ખુશનુમા હતું. ફુલોની સુવાસ વાતાવરણને મઘમઘાયમાન બનાવતી હતી. ઠંડો પવન વાઇ રહ્યો હતો. આવા સુંદર મજાના વાતાવરણમાં ઉદાસ ચહેરે બેઠેલા ભાઇને જોઇ એક જણ પ્રશ્ર કર્યો - ‘દોસ્ત! આટલા સુંદર વાતાવરણમાં પણ તું શા માટે ઉદાસ છે ? શું કોઇ તકલીફ છે?’
પેલા ભાઇએ જવાબ આપ્યો - ‘ના, તકલીફ તો બીજી શું હોય ? પણ, તેં આજનું છાપું વાંચ્યું ? એમાં આગાહી કરી છે કે આ વખતે ઉનાળામાં 48 ડીગ્રી ગરમી પડવાની છે. આ વાંચ્યું ત્યારથી થોડું ‘ટેન્શન’ થઇ ગયું છે !’
ખુશનુમા વાતાવરણમાં પણ ભવિષ્યની ગરમીનો વિચાર કરી હાલમાં હાથવગી પ્રસન્નતાને જતી કરનાર માણસ કદાપિ સુખી થઇ શકે ખરો? આવો માણસ શું પ્રસન્નતાને પામી શકે ખરો? ના, એ શકય જ નથી. કારણ કે આ માણસને દુ:ખી કરનાર એનું પોતાનું જ મન છે, કોઇ પરિસ્થિતિ નહીં. જો એનું મન પલટાય તો જ તે સુખી થઇ શકે તેવી શકયતા છે. તમે દુ:ખી થાઓ છો તેમાં તમે પોતે જ કારણ છો - આ વાત મગજમાં જડબેસલાક ફીટ કરી દેવા જેવી છે. માટે તમારે તમારા દુ:ખોને દુર કરવા તમારું પોતાનું મન બદલવાની જરૂરીયાત છે.
સતત ફરિયાદ જ કરનારા આ મનને સમાધાનકારી વલણ અપનાવવાનું શીખવાડવું પડશે. તો જ એ પ્રસન્નતાને અનુભવી શકશે. એક વાત મગજમાં કોતરી રાખજો કે - ‘હું દુ:ખી થાઉં છું તેમાં જવાબદાર એક માત્ર હું જ છું. જો હું મારી જાતને સમજાવી લઇશ તો કોઇ મને દુ:ખી કરી શકશે નહીં. શ્રમણ ભગવાન મહાવીર
મહારાજાને કાનમાં ઠોકાયેલા ખીલ્લા પણ દુ:ખી કરી શકયા. જ્યારે તમને પગમાં વાગેલો એક કાંટો કે બોલાયેલા કડવા વેણ પણ દુ:ખી કરી નાંખે છે. કારણ કે તમે જાતને સમાધાનકારી વલણ અપનાવવાનું શીખવાડયું જ નથી.
ચોથા આરા કરતા પાંચમાં આરામાં પણ હેમચંદ્રસુરિ મહારાજ વધુ પ્રસન્ન રહી શકયા. તેમના શબ્દો છે - સુષમાતો દુ:ષમાયાં કૃપા ફલવતી તવ! મતલબ કે મહાવિદેહમાં કે ચોથા આરામાં દીક્ષા લીધા બાદ લાંબુ સંયમજીવન પાળવાનું છે. કરોડો વર્ષના ત્યાંના સંયમજીવન દ્વારા જે પરિણામ મળે તે જ પરિણામ પાંચમાં આરામાં પ0-60 વર્ષના દીક્ષા જીવનને સારી રીતે પાળવા દ્વારા મળી જાય છે. તો પછી આ પાંચમો આરો જ પરમાત્માની કૃપાને પામવા સર્વશ્રેષ્ઠ ન કહેવાય?
આ છે સમાધાનકારી વલણ! અહીં અત્યારે સીમંધરસ્વામી ભગવાન તો છે નહીં, કોઇ કેવલી તો છે નહીં.... ઈત્યાદિ વાતો કરી ધર્મારાધનાને ઠેબે ચઢાવનાર માટે આ વચન લાલબત્તી સમાન છે. ટૂંકમાં, હવે કોઇપણ વસ્તુ ન મળ્યાનો અફસોસ કરવાના બદલે જે મળ્યું છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે - આવું લક્ષ્ય કેળવવું રહ્યું! કોઇ પણ પ્રસંગમાં નબળો વિચાર તમને કયારેય સુખી થવા નહીં દે! કોઇ પણ પરિસ્થિતિ સાથે સમાધાન ન કરી શકનારી વ્યકિત પોતાનું ધાર્યુ થાય છતાં સુખી થઇ શકતી નથી.
બેસતા મહિને એક બેન દુ:ખી હતા ત્યારે બાજુની પાડોશણે પૂછયું - ‘કેમ આજે સવાર-સવારમાં ઉદાસ છે?’, ‘અરે! શું કરું? ગઇકાલે મિસ્ટર ઘરે આવ્યા. મહિનો પૂરો થતો હતો. એટલે દર વખતની જેમ મેં મારી માંગણી તૈયાર કરી રાખી હતી. આ વખતે સાડી માંગવાનું નક્કી કર્યુ હતું. એ આવ્યા કે તરત મેં મારી માંગણી રજૂ કરી અને કશી આનાકાની કર્યા વગર મને સાડીના રૂપિયા આપી દીધા!’
પડોશણ બોલી - ‘અલી! આ તો રાજી થવાની વાત છે.’ (ક્રમશ:) સતત ફરિયાદ જ કરનારા આ મનને સમાધાનકારી વલણ અપનાવવાનું શીખવાડવું પડશે. તો જ એ પ્રસન્નતાને અનુભવી શકશે. એક વાત મગજમાં કોતરી રાખજો કે - ‘હું દુ:ખી થાઉં છું તેમાં જવાબદાર એક માત્ર હું જ છું. જો હું મારી જાતને સમજાવી લઇશ તો કોઇ મને દુ:ખી કરી શકશે નહીં